લીકર પોલિસી કેસમાં કેજરીવાલને ૩ વખત નોટિસ મોકલાઈ, ઝારખંડના સીએમ હેમંત સોરેનને પણ ઈડી ૭ વખત નોટિસ મોકલી ચૂકી છે.
ધરપકડની લટકતી તલવાર વચ્ચે કેજરીવાલ-સોરેન સામે કયા વિકલ્પ ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) લીકર પોલિસી કેસ મામલે સામ-સામે આવી ચૂક્યા છે. EDએ અત્યાર સુધીમાં ત્રણ વખત કેજરીવાલને નોટિસ મોકલી હતી તેમ છતાં તેઓ હાજર ન થતાં ચોથી વખત નોટિસ મોકલવાની તૈયારી પણ કરી લીધી છે. જ્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ EDના ચુંગલમાં ફસાયા છે. જમીન કૌભાંડ સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં EDએ હેમંત સોરેનને પણ સાત વખત નોટિસ મોકલી છે.
બંને કેસ અલગ-અલગ હોવા છતાં EDની નોટિસ પ્રત્યે હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલનું વલણ સમાન જ જોવા મળી રહ્યું છે. બંને મુખ્યમંત્રીઓ EDની નોટિસને હળવાશથી લઈ રહ્યા છે. બંને મુખ્યમંત્રીઓ દ્વારા EDને લગભગ સમાન જ વાતો કહેવામાં આવી રહી છે અને બંને ED સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા છે.
બંને રાજ્યોની સત્તાધારી પાર્ટીઓનું કેન્દ્ર પર નિશાન
દરમિયાન બંને મુખ્યમંત્રીઓના રાજકીય પક્ષોએ કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતાં કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતાઓ કેન્દ્ર સરકાર પર ઈડીને એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાનો આક્ષેપ કરી રહ્યા છે.