પશ્ચિમ બંગાળમાં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, ભાજપે શાસક TMC અને મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા હતા.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ગઈકાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલો કર્યો અને તેમના વાહનોમાં તોડફોડ કરી હતી જેના બાદ રાજકારણ ગરમાયું હતું, ત્યારે હવે બંગાળ પોલીસે આ મામલે ત્રણ FIR નોંધી છે અને આ ઘટના બાદ કોંગ્રેસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.
અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો હતો
પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો હતો જેમાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓ સાથે માત્ર CRPF ૨૭ જવાનો હતા અને અધિકારીઓએ આ હુમલા અંગે જણાવ્યું હતું કે ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ તેમજ પાકીટ પણ છીનવી લીધા હતા. હવે આ મામલે બંગાળ પોલીસે ૩ FIR નોંધી છે.
એક તરફ જ્યાં કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે ત્યારે બીજી તરફ રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે પણ તમામ બંધારણીય વિકલ્પો પર વિચાર કરવા અને આ યોગ્ય પગલાં લેવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા કહ્યું હતું કે ED અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જરુરી છે.
TMCએ આરોપોને ફગાવ્યા
ભારતીય જનતા પાર્ટી એ હુમલાની ઘટનાને સંઘીય માળખા પર સીધો હુમલો ગણાવ્યો છે, જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા બેનરજીની સરખામણી કિમ જોંગ સાથે કરી દીધી હતી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે આ ઘટના અંગે કહ્યું કે તેમાં રોહિંગ્યાનો હાથ છે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં પણ બંગાળીઓ સાથે આવું જ થવાનું છે. આ મામલે શાસક TMCએ આ આરોપોને ફગાવી દઈને આરોપ લગાવ્યો હતો કે EDના અધિકારીઓએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા. ઉલ્લેખનીય છે કે શાહજહાં રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકના માનવામાં આવે છે જેની કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે.