રામ મંદિર અંગે તેજસ્વીએ કહ્યું હતું કે ‘બિમાર પડશો તો હોસ્પિટલ જશો કે મંદિર…’
બિહાર માં સનાતન મુદ્દે ફરી રાજકીય ધમાસાણ શરૂ થયું છે. રાજદ નેતા અને બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર યાદવે મંદિર અંગે ટિપ્પણી કરતા માહોલ ગરમાયો છે. ધમાસાણ વચ્ચે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે અગાઉ એક જાહેર સભામાં કહ્યું હતું કે, ‘બીમાર પડશો તો હોસ્પિટલ જશો કે મંદિર.’, જોકે તેઓ પોતે જ પોતાના નિવેદનમાં ફસાયા છે. તેમના ટિપ્પણી બાદ ભાજપે લાલુ પરિવારની તાજેતરની તસવીરને હથિયાર બનાવી લીધી છે અને તેજસ્વી પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે.
તેજસ્વી સનાતન પર ટિપ્પણી કરી ફસાયા
ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.નિખિલ આનંદે તેજસ્વી યાદવ અને ચંદ્રશેખરને આડે હાથ લઈ કહ્યું કે, ‘ચંદ્રશેખર કન્ફ્યૂઝ્ડ વ્યક્તિ છે, તેઓ થેથરોલૉજી પ્રોફેસર છે. ભગવાન શ્રીરામ-શ્રીકૃષ્ણનું મંદિર અયોધ્યા-મથુરામાં નહીં, તો શું જેરુસલેમમાં બનશે?’ નિખિલે એમ પણ કહ્યું કે, ‘બિહારના શિક્ષણમંત્રી મૂંઝવણના શિકાર, મૂર્ખ અને વાહિયાત વ્યક્તિ છે. ચંદ્રશેખરમાં જ્ઞાનની કમી છે અને પોતાના રાજકીય ગુરુની જેમ જ કન્ફ્યૂઝ્ડ છે.’
મુંડન કરાવવું હતું તો તિરુપતિ કેમ ગયા ? ભાજપ
નિખિલે ટિપ્પણી કરવા ઉપરાંત એક તસવીર પણ ટ્વિટ કરી છે, જેમાં લાલુ પરિવાર મુંડન કરાવ્યા બાદ તિરુપતિ મંદિરની બહાર જોવા મળી રહ્યો છે. તેજસ્વી યાદવે થોડા દિવસે પહેલા આ તસવીર ટ્વિટ કરી હતી, જેને નિખિલ આનંદે હથિયાર બનાવી ચંદ્રશેખરને ટાંકીને નાયબ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. નિખિલે તેજસ્વીને પૂછ્યું કે, ‘સહપરિવાર મુંડન કરાવવા સલૂનના બદલે તિરુપતિ કે બાલાજી મંદિર કેમ ગયા?’ ઉલ્લેખનિય છે કે, તેજસ્વી યાદવે તાજેતરમાં જ એક જાહેરસભામાં અયોધ્યા રામ મંદિર પર કટાક્ષ કરતા લોકોને પૂછ્યું હતું કે, ‘સારવાર કરાવવા માટે મંદિર જશો કે હોસ્પિટલ?’