ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા-બ્રિટને હૂતી વિદ્રોહીઓ પર શરૂ કર્યા હુમલા

અમેરિકા અને યુકેના સૈન્યે યમનમાં હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર હુમલા શરૂ કર્યા છે.

અમેરિકાએ પોતાના સહયોગી દેશો સાથે મળીને હુમલાની શરૂઆત ત્યારે કરી જ્યારે તેનો એક મહત્ત્વપૂર્ણ સહયોગી દેશ ઇઝરાયલ ગાઝામાં હમાસ સાથે યુદ્ધ કરી રહ્યો છે.

ગાઝામાં ઇઝરાયલના હુમલા વિરુદ્ધ મધ્યપૂર્વના ઇસ્લામિક દેશો એક દેખાઈ રહ્યા હતા, પરંતુ યમનમાં હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર હુમલાથી સ્થિતિ જટિલ બની શકે છે.

હૂતી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન હોવાનું કહેવાય છે અને સાઉદી અરેબિયા યમનમાં હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ વર્ષોથી લડી રહ્યું છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે ઈરાનના સમર્થનવાળા હૂતી વિદ્રોહી ગત નવેમ્બરથી રાતા સમુદ્રમાંથી પસાર થનારાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે, આ હુમલા તેના જવાબમાં જ કરાઈ રહ્યા છે.

હુતી વિદ્રોહી
 

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી રાતા સમુદ્રમાં કાર્ગો જહાજો પર ડ્રોન અને રૉકેટ વડે હુમલા થઈ રહ્યા છે. આ હુમલાના કારણે વિશ્વની મોટી શિપિંગ કંપનીઓએ જાહેરાત કરી હતી કે તેઓ આ વિસ્તારમાં જવાનું ટાળશે.

આ હુમલા માટે જેના પર આરોપ કરાઈ રહ્યા છે હૂતી વિદ્રોહીઓનો યમનનાં મોટા ભાગના વિસ્તારો પર કબજો છે.

અમેરિકન સરકારે અગાઉ કહ્યું હતું કે રાતા સમુદ્રમાં અમેરિકન યુદ્ધ જહાજો દ્વારા આમાંથી ઘણી મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતાં.

અખબારોના અહેવાલો અનુસાર રવિવારે અમેરિકાના સૈન્યે જણાવ્યું હતું કે રાતા સમુદ્રમાં હૂતીઓ દ્વારા કરાયેલા વધુ એક હુમલા બાદ થયેલા ગોળીબાર સાત હૂતી વિદ્રોહીનાં મૃત્યુ થયાં હતાં.

ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ કરાયા હુમલા

હૂતિઓએ 21 નવેમ્બરના રોજ રાતા સમુદ્રમાં તેમના લડવૈયાઓ એક જહાજને હાઇજેક કરતા દર્શાવતી તસવીરો જાહેર કરી છે.
 

૭ ઑક્ટોબરે ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી આ હુમલા શરૂ થયા હતા.

હૂતીઓએ હમાસને સમર્થન જાહેર કર્યું છે અને જણાવ્યું કે તેઓ ઇઝરાયલ જનારા દરેક જહાજને નિશાન બનાવશે. પરંતુ એ સ્પષ્ટ નથી કે જેના પર હુમલો થયો એ તમામ જહાજ ખરેખર ત્યાં જ જઈ રહ્યાં હતાં.

નવેમ્બરમાં હૂતીઓએ એક જહાજ કબજે કર્યું હતું, જે તેમણે ઇઝરાયલનું કાર્ગો જહાજ હોવાનું જણાવ્યું હતું.

જોકે, ઇઝરાયલે જણાવ્યું છે કે આ જહાજ તેમનું નહોતું અને ન તો તેના કોઈ ક્રૂ મેમ્બર ઇઝરાયલી હતા. પરંતુ કેટલાક અહેવાલો અનુસાર આ જહાજનો માલિક ઇઝરાયલનો નાગરિક હોવાની શક્યતા છે.

૩ ડિસેમ્બર પછી પણ હૂતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં ઘણાં વેપારી જહાજોને નિશાન બનાવ્યાં.

ત્યારથી તેમણે ડ્રોન અને બૅલેસ્ટિક મિસાઇલો વડે ઘણાં વેપારી જહાજો પર હુમલા કર્યા છે.

તેના જવાબમાં યુએસએએ જહાજોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય નૌકાદળ ઑપરેશન શરૂ કર્યું છે. યુકે, કૅનેડા, ફ્રાન્સ, બહેરિન, નોર્વે અને સ્પેન સહિતના દેશો પણ યુએસ સાથે જોડાયા છે.

ભૂમધ્ય સાગરની શિપિંગ કંપની, મેર્સ્ક, હેપગ-લોયડ અને ઑઇલ કંપની બીપી સહિતની મુખ્ય શિપિંગ કંપનીઓએ કહ્યું છે કે તેઓ જહાજોને રાતા સમુદ્રથી અન્ય દિશામાં વાળી રહી છે.

વોશિંગ્ટને આ વેપારી જહાજો સામે ઑપરેશનના આયોજનમાં ઈરાનની “ઊંડી સંડોવણી” હોવાનો આરોપ મૂક્યો છે.

 

હૂતી વિદ્રોહીઓ કોણ છે?

હૂતી એક હથિયારધારી જૂથ છે, જે યમનના શિયા મુસ્લિમના લઘુમતી જૂથ પેટા સમુદાય એવા ઝૈદીઓમાંથી આવે છે. તેઓ તેમનું નામ આ ચળવળના સ્થાપક હુસૈન અલ હૂતી પરથી રાખ્યું છે.

૧૯૯૦ ના દાયકામાં તત્કાલીન પ્રમુખ અલી અબ્દુલ્લા સાલેહના ભ્રષ્ટાચારને પડકારવાના હેતુસર આ જૂથની રચના કરવામાં આવી હતી.

સાઉદી અરેબિયાની સૈન્યના સમર્થન સાથે રાષ્ટ્રપતિ સાલેહે વર્ષ ૨૦૦૩ માં હૂતી બળવાખોરોને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હૂતીઓએ બંનેને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા.

હૂતી વર્ષ ૨૦૧૪ થી યમનની સરકાર સામે ગૃહયુદ્ધ લડી રહ્યા છે. સાઉદી અરેબિયા અને યુએઈની આગેવાની હેઠળના આરબ દેશોના ગઠબંધન દ્વારા સરકારને હૂતીઓ સામે સમર્થન પ્રાપ્ત છે.

સંયૂક્ત રાષ્ટ્ર પ્રમાણે ૨૦૨૨ની શરૂઆત સુધી આ યુદ્ધમાં ૩,૭૭,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૪૦ લાખ લોકોએ સ્થળાંતર કર્યું હતું.

હૂતી વિદ્રોહીએ તેમને ઈરાનની આગેવાની હેઠળ

હૂતી વિદ્રોહીઓ પોતાની જાતને ઇઝરાયલ, અમેરિકા અને પશ્ચિમના દેશો સામે હિઝબુલ્લાહ અને હમાસની સહિત ઈરાનની આગેવાનીવાળાં જૂથોના ‘પ્રતિકારની ધરી’ ગણાવે છે.

હૂતી વિદ્રોહીઓને કોનું સમર્થન છે?

હૂતી વિદ્રોહીઓ
 

હૂતી વિદ્રોહીઓનું મોડેલ લેબનનનાં શિયા સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહના સમાન છે.

યુએસ સંશોધન સંસ્થા, કૉમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટર અનુસાર, હિઝબોલ્લાહ હૂતીઓને ૨૦૧૪ થી વ્યાપક લશ્કરી કુશળતા અને તાલીમ પ્રદાન કરી રહ્યું છે.

હૂતીઓ પણ ઈરાનને સાથી માને છે, કારણ કે સાઉદી અરેબિયા તેમનો સામાન્ય દુશ્મન છે.

ઈરાન પર હૂતી વિદ્રોહીઓને શસ્ત્રો પૂરા પાડવાની શંકા છે, અને યુએસ કહે છે કે હૂતી પાસે જહાજોની મહત્વપૂર્ણ માહિતી પુરી પાડવા માટે ઈરાનની મુખ્ય ભૂમિકા છે.

વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ઈરાન રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજો સામેની કામગીરીના આયોજનમાં ઊંડાણપૂર્વક સામેલ હતું.”

“ઇરાનના લાંબા ગાળાથી હુતીઓને ભૌતિક સમર્થન અને પ્રદેશમાં અસ્થિરતા ફેલાવવામાં પ્રોત્સાહન આપે છે.”

ઈરાન રાતા સમુદ્રમાં હુતીઓના હુમલામાં સામેલ હોવાનો ઈન્કાર કરે છે.

યુએસ અને સાઉદી અરેબિયાનું કહેવું છે કે ઈરાને 2017માં સાઉદીની રાજધાની રિયાધ પર હૂતીઓએ ફાયરિંગ કરેલી બૅલિસ્ટિક મિસાઈલો પૂરી પાડી હતી, પરંતુ તેને ઠાર કરવામાં આવી હતી.

જયારે હૂતીઓ દ્વારા 2019માં સાઉદીના તેલના ઇન્સ્ટોલેશન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સાઉદીએ ઈરાન પર હૂતીને ક્રુઝ મિસાઇલો અને ડ્રોન સપ્લાય કરવા માટે દોષિત ઠેરવ્યું હતું.

હૂતીઓએ સાઉદી અરેબિયામાં હજારો શોર્ટ-રેન્જ મિસાઇલો છોડી છે અને યુએઇમાં પણ લક્ષ્યો પર હુમલો કર્યો છે. ગાઝામાં યુદ્ધની શરૂઆતથી તેઓ ઇઝરાયલ તરફ બૅલેસ્ટિક મિસાઇલો અને ડ્રોન પણ છોડે છે.

આ શસ્ત્રોનો સપ્લાય કરવાથી યુએનના શસ્ત્ર પ્રતિબંધની બંધીનો ભંગ થશે. ઈરાને આવું કરવાનો ઈન્કાર કર્યો છે.

યમનનો કેટલો હિસ્સો હૂતીઓના નિયંત્રણ હેઠળ છે?

હૂતી વિદ્રોહીઓ
 

એપ્રિલ ૨૦૨૨ માં રાષ્ટ્રપતિ અબ્દ્રબુહ મનસૂર હાદીએ પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલને તેમની સત્તા સોંપી, જે હવે યમનની આધિકારિક સરકાર છે.

જોકે, હાદી વર્ષ ૨૦૧૫ દેશ છોડીને નાસી છૂટ્યા એ બાદથી સરકાર સાઉદીના પાટનગર રિયાધમાં આવેલી છે.

યમનની મોટા ભાગની વસતિ હૂતી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં રહે છે. સના અને ઉત્તર યમન ઉપરાંત હૂતી રાતા સમુદ્રના દરિયાકાંઠાને પણ નિયંત્રિત કરે છે.

આ જૂથ કર વસૂલ કરે છે અને પૈસા પણ છાપે છે.

યુએન સિક્યૉરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ૨૦૧૦ સુધીમાં હૂતીઓનાં એક લાખથી ૧,૨૦,૦૦૦ અનુયાયી હતા, જેમાં સશસ્ત્ર સૈનિકો અને નિઃશસ્ત્ર સમર્થકો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *