રાહુલ ગાંધીએ કહ્યું – આરએસએસ અને ભાજપે ૨૨ જાન્યુઆરીના કાર્યક્રમને સંપૂર્ણપણે રાજકીય નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનાવી દીધો છે. આ આરએસએસ-ભાજપનો કાર્યક્રમ છે અને મને લાગે છે કે તેથી જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ત્યાં ન જવાનું કહી રહ્યા છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન રાહુલે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનો ઉદ્ધાટન સમારોહ મોદીનો કાર્યક્રમ છે. ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ અને ભાજપે ૨૨ જાન્યુઆરીના કાર્યક્રમને સંપૂર્ણપણે રાજકીય નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બનાવી દીધો છે. આ આરએસએસ-ભાજપનો કાર્યક્રમ છે અને મને લાગે છે કે તેથી જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ત્યાં ન જવાનું કહી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમામ ધર્મો, તમામ પ્રથાઓ માટે ખુલ્લા છીએ. હિન્દુ ધર્મના સૌથી મોટા ગુરુઓએ પણ ૨૨ જાન્યુઆરીના સમારોહ વિશેના તેમના અભિપ્રાય સાર્વજનિક કરી દીધા છે, જેને તેઓ રાજકીય સમારોહ માને છે. ભારતના વડા પ્રધાન અને આરએસએસની આસપાસ કરવામાં આવેલા રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવો અમારા માટે મુશ્કેલ છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ ૨૨ જાન્યુઆરીના રોજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસે આ મુદ્દાને ભાજપનો રાજકીય એજન્ડા ગણાવ્યો છે.
ભાજપ દ્વારા કોંગ્રેસ અને ગાંધી પરિવારને “હિન્દુ વિરોધી” કહેવા અંગે પૂછવામાં આવતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે વ્યક્તિ ખરેખર ધર્મમાં માને છે તેનો તેની સાથે વ્યક્તિગત સંબંધ હોય છે. તે પોતાના જીવનમાં ધર્મનો ઉપયોગ કરે છે. ધર્મને જનસંપર્ક સાથે જોડનારા તેનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. હું મારા ધર્મનો લાભ લેવાનો પ્રયત્ન કરતો નથી, મને કોઈ રસ નથી.
તેમણે કહ્યું કે હું ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે સારો વ્યવહાર કરું છું અને તેમનો આદર કરું છું. જ્યારે મને કંઈક કહેવામાં આવે છે ત્યારે હું અહંકારથી જવાબ આપતો નથી, હું તેમની વાત સાંભળું છું. હું નફરત ફેલાવતો નથી. મારા માટે તે હિન્દુ ધર્મ છે. હું તેને જીવનમાં અનુસરું છું. પરંતુ મારે તેને શર્ટની ઉપર પહેરવાની જરૂર નથી. જે લોકો તેમાં વિશ્વાસ નથી કરતા તેમણે તેને શર્ટની ઉપર પહેરવાની જરૂર છે.