ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે તેમજ ૨ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે.
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથના હરણી તળાવમાં કમકમાટી ભરી દૂર્ઘટના ઘટી છે. પ્રવાસે માટે આવેલા વિદ્યાર્થીઓને દુર્ઘટના નડી છે. તળાવમાં બોટ પલટી જતાં ૧૪ લોકો મોતને ભેટ્યા છે. જેમાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના મોત થયાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાના તાગ મેળવ્યા હતાં. દૂર્ઘટનાને લઈ હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે.
૨ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે’
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સરકારે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તે વ્યક્તિએ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો અને કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટ આપ્યો તે એક ગુનો છે. વધુમાં કહ્યું કે, કલેક્ટરને આ બાબતે પણ તાપસ કરવાની સૂચના આપી છે. બોટ ચલાવનાર એજન્સી અને બોટ ચલાવનારાની પ્રાથમિક ક્ષતિ સામે આવી છે. જે લોકો ને લાઇફ ગાર્ડ પહેરાવ્યા હતા એ તમામ લોકોના જીવ બચ્યો છે. જે લોકો ને લાઇફ ગાર્ડ ના પહેરાવ્યા તે પણ ગુનો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે તેમજ ૨ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે. અન્ય આરોપીને પકડવા માટે પોલીસ ટીમ કામે લાગી છે. ૯ ટીમો દ્વારા આરોપીને પકડવા માટે કામગીરી શરૂ કરી છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, બરોડામાં ન્યુ સન રાઈઝ સ્કુલના બાળકો શિક્ષકો સાથે બોટિંગમાં ગયા હતાં. ત્યારે ૦૪.૪૫ કલાકે બોટ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના જાણ થતાં જ કલેકટર, મ્યું. કમિશનર અને પોલીસ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
૧૪ લોકોના દુઃખદ મોતનો મામલો
વડોદરા શહેરની ન્યુ સન રાઇઝ સ્કૂલના બાળકો હરણી તળાવમાં બોટિંગ માટે ગયા હતા. બાળકો સાથેની બોટ સાંજના સમયે પલટી ખાતા આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં કલેકટર અતુલ ગોર, મ્યુનિ. કમિશનર દિલીપ રાણા, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે એન.ડી.આર.એફ,ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરૂણ દુર્ઘટનામાં ૧૨ બાળકો અને બે શિક્ષકો સહિત કુલ ૧૪ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.