વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું, સંખ્યાબળ તૂટી ૧૫ થયું.
ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબંળ તુટીને ૧૫ થઈ ગયું છે. આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું. હવે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામાં બાદ કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને ૧૫ થઈ ગયું છે તેમજ હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડે તેવી સંભાવના છે.
સીજે ચાવડા ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી રહી ચૂક્યા છે. તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સલાહથી સરકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ ૨૦૦૨ ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી ભાજપના નેતા વાડીભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ ૨૦૧૭ માં ગાંધીનગર ઉત્તર અને ૨૦૨૨ માં વિજાપુર બેઠક પરથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.