વડોદરામાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં આયત નામની ૮ વર્ષની વિદાર્થિનીએ પણ પ્રાણ ગુમાવ્યા હતા. તેના અચાનક મોતથી તેનો પરિવાર પણ ભારે શોકમાં ગરકાવ ગઈ ગયો છે. તેના પિતાએ દીકરીના ઇન્તેકાલ પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે હવે અમને પાંચ કે દસ લાખનું વળતર મળે તો પણ શું? પહેલી વાર ક્યાંક દીકરીને એકલી મોકલી અને મારી આ પહેલી ભૂલને કારણે મેં દીકરીને કાયમી ધોરણે ગુમાવી દીધી.
વડોદરામાં રહેતા અલ્તાફભાઈ મનસુરીની દીકરી આયત પણ ન્યુ સનરાઈઝ સ્કૂલમાં ભણતી હતી. તે પણ ગુરુવારે સવારથી સ્કૂલની પિકનિકમાં ગઈ હતી અને સાંજે તળાવમાં બોટ ઊંધી વળી જતાં અન્ય ૧૧ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકો સાથે આયત પણ પાણીમાં ડૂબી ગઈ હતી.

એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં દીકરીના મૃત્યુથી ભાંગી પડેલા અલ્તાફભાઈ મનસુરીએ કહ્યું, ‘તમે (સ્કૂલવાળાએ) બોટિંગનું કીધું કે બોટિંગ કરાવવાની છે, એટલે મેં મારી દીકરીને પહેલીવાર એકલી મોકલી, બાકી મારા વિના તેને કોઈ જગ્યાએ મોકલતો નહોતો. આ પહેલીવાર મારી ભૂલ થઈ અને મારી ભૂલના કારણ છોકરી જતી રહી. હવે મારે શું કરવાનું? હવે સરકારનો વાંક માનું કે સ્કૂલનો? કાં તો કોર્પોરેશન જિમ્મેદાર છે યા તો સ્કૂલ જિમ્મેદાર છે. એટલે જેના ઉપર એકશન લેવાના હોય, જે પણ ગુનેગાર છે એ મને તો જોઈએ જ. મારે કોઈ દસ લાખ, વીસ લાખ કે પાંચ લાખ મુઆવજો(વળતર) લઈને કાંઈ કરવું નથી.’
ગઈ કાલે સાંજે વડોદરામાં બોટ ડૂબી એમાં ૨ શિક્ષિકા અને કુમળી વયના ૧૨ વિદ્યાર્થીઓનાં મોત થયા છે. આ બનાવ મામલે પોલીસે કુલ ૧૮ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આજ સાંજ સુધીમાં તેમાંથી ૬ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. આ બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે. તો બીજી તરફ ઊંડાણપૂર્વક તપાસ થાય એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.