કેન્દ્રીય મંત્રીએ આ સંદર્ભમાં તમિલ અખબારના અહેવાલને ટેગ કર્યો છે, જોકે રાજ્ય સરકાર દ્વારા આને ખોટા સમાચાર ગણી ફગાવી દેવામાં આવ્યો.
એક તમિલ દૈનિકના અહેવાલને ટાંકીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે આક્ષેપ કર્યો હતો કે તમિલનાડુ સરકાર સંચાલિત મંદિરોએ અયોધ્યામાં ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભગવાન રામની પૂજા પર પ્રતિબંધ મુક્યો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા આને ખોટા સમાચાર ગણી ફગાવી દેવામાં આવ્યો છે.
સીતારમણે X પરની એક પોસ્ટમાં આરોપ મુક્યો કે તમિલનાડુ સરકારે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના કાર્યક્રમોના લાઇવ પ્રસારણ જોવા પર પ્રતિબંધ મુક્યો છે. તમિલનાડુમાં શ્રી રામના ૨૦૦ થી વધુ મંદિરો છે. HR&CE સંચાલિત મંદિરોમાં શ્રી રામના નામની પૂજા/ભજન/પ્રસાદમ/અન્નદાનમની મંજૂરી નથી. પોલીસ ખાનગી મંદિરોને પણ કાર્યક્રમોનું આયોજન કરતા અટકાવી રહી છે. તેઓ આયોજકોને ધમકી આપી રહ્યા છે કે તેઓ પંડાલો તોડી નાખશે. આ હિંદુ વિરોધી, દ્વેષપૂર્ણ કૃત્યની સખત નિંદા કરીએ છીએ. કેન્દ્રીય મંત્રીએ આ સંદર્ભમાં તમિલ અખબારના અહેવાલને ટેગ કર્યો છે.
આ આરોપ પર પ્રતિક્રિયા આપતા તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ મંત્રી પીકે સેકર બાબુએ કહ્યું કે આવો કોઈ પ્રતિબંધ નથી. તમિલનાડુના મંદિરોમાં HR અને CE વિભાગે ભગવાન રામની પૂજા કરવા માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદ્યો નથી. આ ઉપરાંત ‘અન્નધનમ’ અને ‘પ્રસાદમ’ વહેંચવામાં કોઈ બાધ નથી. સાલેમ ખાતે હાલમાં ચાલી રહેલી ડીએમકેની યુવા પાંખની પરિષદમાંથી લોકોનું ધ્યાન હટાવવા માટે એક અફવા ફેલાવવામાં આવી રહી છે.