ગઈકાલે પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લુ મુકાતા ભારે ભીડ ઉમટી, ભીડ વધતા એટીએસ અને આરએએફના જવાનોને તુરંત રામલલા મંદિર મોકલાયા.
શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા અપીલ
રામલલાના દર્શન કરવા આજે ભારે ભીડ ઉમટી હતી, જેને ધ્યાને રાખી તંત્ર દ્વારા મંદિર એક કલાક વહેલું ખોલવાનો નિર્ણય કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. એવી વિગતો પણ સામે આવી હતી કે, ભક્તોના ધસારો વધતાં મંદિર તુરંત બંધ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી કરવાનું આયોજન કરાયું છે. તેમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ આરતીમાં જ ભારે ભીડ ઉમટી પડી છે. મંદિરમાં આજે સવારે ૦૬:૩૦ શ્રૃંગાર/જાગરણ આરતી બાદ બપોરે ૧૨:00 કલાકે ભોગ આરતી કરાઈ હતી, જ્યારે સાંજે ૦૭:૩૦ વાગ્યો સંધ્યા આરતી કરવામાં આવશે.
આસપાસના જિલ્લાની પોલીસ અયોધ્યામાં ભીડને નિયંત્રણ કરવા સક્રિય થઈ ગઈ છે. અયોધ્યાથી ૬૦ કિલોમીટર દૂર બારાબંકીમાં પોલીસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, અયોધ્યા ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી તેઓ અયોધ્યા ન જાય. મંદિર તરફના તમામ રૂટો બદલવામાં આવ્યા છે.