પીએમની ઉમેદવારીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ ચૂંટણી બાદ તેના પર ચર્ચા કરશે અને નિર્ણય લેશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અસમમાં કહ્યું કે કોઇ રામ લહેર નથી. અયોધ્યા ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ભાજપનો રાજકીય કાર્યક્રમ છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શો’ કર્યો હતો. તેમણે મીડિયા સાથે વાત કરતા એમ પણ કહ્યું હતું કે અસમમાં તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને જેટલો અવરોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેનાથી તેમની યાત્રાને તેટલો જ પ્રચાર મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના ધમકાવનાર હરકતોથી તેઓ ડરતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘રામ લહેર’ના મુકાબલે શું છે પ્લાન?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રામ લહેર નો સામનો કરવા માટે તેમની પાસે શું યોજના છે તો રાહુલ ગાંધીએ કહ્યું કે એવી કોઈ વાત નથી કે લહેર હોય. આ ભાજપનો રાજકીય કાર્યક્રમ હતો. નરેન્દ્ર મોદીજીએ કાર્યક્રમ કર્યો, શો કર્યો. એ બધું બરાબર છે, સારું છે પણ દેશને મજબૂત કરવા માટે ‘ફાઇવ જસ્ટિસ’ની અમારી પાસે યોજના છે. અમે તેને તમારી સમક્ષ મૂકીશું. અયોધ્યાની મુલાકાત લેશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલ તેઓ યાત્રા પર છે. પાર્ટીએ નક્કી કરેલા રૂટમાં અયોધ્યાનો સમાવેશ થતો નથી.
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમવારે અયોધ્યાના મંદિરમાં રામલલાની નવી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડા પ્રધાને તેને નવા યુગના આગમનનું પ્રતીક ગણાવ્યું હતું. ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રા પાછળનો વિચાર ન્યાય છે. તેમાં ન્યાયના પાંચ સ્તંભ છે – યુવા ન્યાય, ભાગીદારી, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય અને કામદારો માટે ન્યાય. આ પાંચ સ્તંભ દેશને તાકાત આપશે. કોંગ્રેસ આગામી દોઢ મહિનામાં તેને જનતાની સામે મુકશે.
કોણ હશે પીએમ પદના ઉમેદવાર?
પીએમની ઉમેદવારીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ ચૂંટણી બાદ તેની પર ચર્ચા કરશે અને નિર્ણય લેશે. તેમણે કહ્યું કે એક તરફ નરેન્દ્ર મોદી અને આરએસએસ છે અને બીજી તરફ ‘ઇન્ડિયા’ છે. ‘ઇન્ડિયા’ એક વિચારધારા છે, એક વિચાર છે. ‘ઇન્ડિયા’ પાસે દેશના ૬૦ %વોટ છે. ”
રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સત્ય અને પોતાની વિચારધારા સાથે છે અને દુનિયા ભલે એક તરફ હશે તો પણ તેઓ પોતાની લડત ચાલુ રાખશે. હવે જોવાનું એ છે કે રાહુલ ગાંધીની આ વાતો પર ભાજપ કેવો જવાબ આપે છે.