અયોધ્યાના નવા બનેલા રામમંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયો.
આ અવસરે વડા પ્રધાન મોદી સિવાય આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતાં. એ સિવાય ત્યાં દેશના અનેક મોટા ઉદ્યોગપતિઓ અને સિનેમા જગતના મોટા ચહેરાઓ ઉપસ્થિત હતા.
દેશભરના હિન્દુ સમુદાયમાં આ સમારોહને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. લોકોએ પૂજાપાઠ સિવાય ઝુલૂસ કાઢીને અને જમણવારનું આયોજન કરીને તેમની ખુશીઓ વ્યક્ત કરી.
બીજી તરફ મુસલમાનોમાં આ કાર્યક્રમને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી. ખાસ કરીને એ વિસ્તારોમાં જ્યાં ૧૯૯૨ થી લઈને ૨૦૦૨ માં રમખાણો થયા હતા.
મોટાભાગના મુસ્લિમોએ કહ્યું કે તેમને આ સમારોહથી કોઈ સમસ્યા નથી કારણ કે ભારતમાં દરેક લોકોને પોતાનો ધર્મ પાળવાની આઝાદી છે.
કેટલીક જગ્યાએ મુસલમાનોએ એવો દાવો કર્યો છે કે તેમણે આ અવસરે હિન્દુઓને તેમનો ઉત્સવ મનાવવાની તૈયારીમાં પણ સહયોગ આપ્યો છે.
જ્યારે અયોધ્યા ધામથી ૨૦ કિલોમિટર દૂર ધન્નીપુરમાં જ્યાં મસ્જિદ બનાવવા માટે ૫ એકર જમીન મળી છે ત્યાંના મુસલમાનોને પણ સરકારથી આશા છે.
ગોધરાના મુસ્લિમોએ શું કહ્યું?
૨૦૦૨ ના ગુજરાત રમખાણો સમયે ગોધરાનું પોલન બજાર હિંસાથી બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.
વિશ્વ સમાચાર ના રિપોર્ટર કલ્પેશભાઈ રામમંદિરના ઉદ્ધાટન સમયે ત્યાંના મુસ્લિમો સાથે વાતચીત કરી હતી તો લોકોએ એ આશા વ્યક્ત કરી હતી કે હવે કદાચ આ વિવાદનો અંત થઈ જાય.
ગોધરા નિવાસી ઇમ્તિયાઝ અબ્દુલ રહેમાને બીબીસીને જણાવ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે તે પ્રમાણે દરેક લોકોને તેમના ધર્મનું પાલન કે અનુસરણ કરવાનો અધિકાર છે. અમે તેમને શુભેચ્છા આપીએ છીએ કે તેઓ કુશળ રહે, ભલું કરે. શાંતિનો માહોલ બનાવીને રાખે.”
ત્યાંના જ રહેવાસી રફીક તિજોરીવાલાએ કહ્યું કે ગોધરાનો મુસલમાન ઇચ્છે છે કે આ કાર્યક્રમ પણ શાંતિથી પૂર્ણ થાય.
જોકે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ગોધરામાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ રાખવામાં આવ્યા હતા.