પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારનો અકસ્માત, માથામાં પહોંચી સામાન્ય ઈજા.
પૂર્વીય બર્ધમાન જિલ્લામાં એક વહીવટી બેઠક બાદ પરત ફરતા સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીના માથામાં સામાન્ય ઈજા થઈ. કાર ડ્રાઈવરે અચાકન બ્રેક લગાવી દીધી, જેના કારણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઈજા પહોંચી છે. મહત્વનું છે કે, ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે તેઓ હેલિકોપ્ટરથી મુસાફરી નથી કરી રહ્યા.
બુધવારે પૂર્વીય બર્ધમાનના ગોદાર મેદાનમાં મમતા બેનર્જીની વહીવટી બેઠક યોજી. બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતા પરત ફરવા માટે કારમાં બેઠા. ત્યારબાદ સભા સ્થળેથી જીટી રોડ પર કાર ચઢતા સમયે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી દીધી. જેને લઈને મુખ્યમંત્રીના માથા પર ઈજા પહોંચી હતી. જોકે, મમતા બેનર્જીએ ગાડી રોકી ન હતી અને સીધા તેઓ કોલકાતા જવા રવાના થઈ ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીના અનુસાર, ઈજાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રીના માથા પર રૂમાલ બાંધ્યો હતો.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, અમે હમણા કાર એક્સિડેન્ટમાં મમતા બેનર્જીને ઈજા થવા અંગે સાંભળ્યું. અમે તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ.