૧૦૦ કરોડની બેનામી સંપત્તિ

અધિકારીઓએ TSRERAના સચિવ અને મેટ્રો રેલ પ્લાનિંગના અધિકારીના ઘરે દરોડા પાડ્યા, શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો.


 તેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે બુધવારે દરોડા પાડવા આવેલી એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમને ખજાનો મળ્યો હતો. સૂત્રોના અહેવાલ મુજબ એસીબીના અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટી (TSRERA)ના સચિવ અને મેટ્રો રેલ પ્લાનિંગના અધિકારી શિવ બાલકૃષ્ણ ના ઘરે દરોડા પાડતા ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની બેનામી સંપત્તિ હોવાનું જાણવા મળ્યું છે.

તેલંગાણામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે રાજ્ય સરકારના અધિકારી શિવ બાલકૃષ્ણના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે દિવસભર ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ટીમ ૧૦૦ કરોડ કરતા પણ વધુ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢવામાં સફળ રહી હતી. આ દરોડા આજે પણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે એસીબીને શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ લાંબા સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી હતી. એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.

એસીબીના અધિકારીઓને શિવ બાલકૃષ્ણની પાસેથી ૪૦ લાખ રોકડ, બે કિલો સોનું, 60 મોંધી ઘડિયાલો, ૧૦ લેપટોપ, ૧૪ સ્માર્ટફોન અને બેનામી સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત ટીમને ઘરમાંથી નોટો ગણવાનું મશીન પણ મળ્યું હતું. હાલમાં તપાસ એજન્સી બાલકૃષ્ણના બેંક લોકર અને અન્ય બેનામી સંપત્તિની પણ તપાસ કરી રહી છે. શિવ બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ પહેલા શિવ બાલકૃષ્ણ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *