નીતીશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીવાર એનડીએ સાથે જોડાઈ શકે છે.
બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરીવાર એનડીએ સાથે જોડાઈ શકે છે. આ સૌની વચ્ચે હવે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે એલજેપી સાંસદ ચિરાગ પાસવાને પ્રતિક્રિયા આપી છે.
ચિરાગ પાસવાને જણાવ્યું કે ‘એલજેપી (રામવિલાસ) રાજ્યના રાજકીય માહોલ પર નજર રાખી રહી છે. આગામી ૨-૩ દિવસમાં બધું સ્પષ્ટ થઈ જશે. વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે અમે ગઈકાલે એક બેઠક પણ યોજી હતી. જ્યાં સુધી NDA સાથે ગઠબંધનની વાત છે તો નિર્ણય લેવાની જવાબદારી મારી છે. જે પણ નિર્ણય લેવામાં આવશે, એલજેપી અને ભાજપ સાથે મળીને લેશે.’
બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA ૨૦૨૦ ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અને કોંગ્રેસે આજે તેમના પક્ષોની બેઠક બોલાવી હતી. આરજેડીની બેઠકમાં તમામ ધારાસભ્યો, વિધાન પરિષદ અને અન્ય મોટા નેતાઓ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે પણ બેઠક બોલાવી હતી. એવું માનવામાં આવે છે કે બેઠક બાદ ભાજપ ધારાસભ્યોની સહીવાળું સમર્થન મુખ્યમંત્રી નીતીશ કુમારને સોંપી શકે છે.