વડાપ્રધાન મોદી: ભારતના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન અવિસ્મરણીય.
કેન્દ્રની મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી ખુદ પીએમ મોદીએ આપી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘મને એ વાત જણાવતાં ખુશી થઈ રહી છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની જોડે વાત કરી છે અને આ સન્માનથી સન્માનિત કરવા અંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક, ભારતના વિકાસમાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન અવિસ્મરણીય છે.’
લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના એકમાત્ર એવા નેતા છે જે ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ સમય સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. પ્રથમ વખત તેઓ ૧૯૮૬ થી ૧૯૯૦ અને ત્યારબાદ ૧૯૯૩ સુધી અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૯૮ અને પછી તેઓ ૨૦૦૪ થી ૨૦૦૫ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા. સાંસદ તરીકે ત્રણ દાયકાની લાંબી ઇનિંગ્સ રમ્યા પછી, અડવાણી પહેલા ગૃહ મંત્રી બન્યા અને બાદમાં અટલ જીની કેબિનેટ (૧૯૯૯ – ૨૦૦૪)માં નાયબ વડા પ્રધાન બન્યા હતા.