ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ હિન્દુ-મુસ્લિમો માટે લગ્ન, છૂટાછેડા અને વારસાના કાયદા એકસમાન

ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરાયેલ UCC બિલના ડ્રાફ્ટમાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિ સહિતના મુદ્દા સામેલ, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા લેનાર અને લગ્નની નોંધણી ન કરાવનાર વિરુદ્ધ UCCમાં દંડની જોગવાઈ.

UCC સામેલ કેટલાક મહત્ત્વના નિયમો
  • લગ્ન સમયે પુરુષની ઉંમર ૨૧ વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. કલમ-૬ હેઠળ લગ્નની નોંધણી ફરજિયાત કરાવવી પડશે. નોંધણી ન કરાવવા બદલ રૂપિયા ૨૦ હજારનો દંડ પણ ફટકારાશે.
  • કોઈપણ પુરુષ કે મહિલાના લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ જ તેઓ છૂટાછેડા માટે કોર્ટમાં જઈ શકશે, અન્યથા ત્યાં સુધી નહીં જઈ શકે.
  • લગ્ન ભલે કોઈપણ ધાર્મિક પ્રથા હેઠળ લગ્ન કરાયા હોય, પરંતુ છૂટાછેડા માત્ર કાયદાકીય પ્રક્રિયા હેઠળ જ થશે.
  • કોઈ પણ વ્યક્તિ બીજા લગ્ન ત્યારે જ કરી શકશે, જ્યારે કોર્ટે છૂટાછેડાનો નિર્ણય આપ્યો હોય અને કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલનો કોઈપણ અધિકાર બાકી ન રહ્યો હોય.
  • કાયદાની વિરુદ્ધ લગ્ન કરવા પર છ મહિનાની જેલ અને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. નિયમો વિરુદ્ધ છૂટાછેડા લેવા પર ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
  • પુરુષ અને મહિલા બીજા લગ્ન ત્યારે જ કરી શકશે, જ્યારે બંનેના પાર્ટનરમાંથી કોઈ એક જીવીત ન હોય.
  • મહિલા અથવા પુરુષ લગ્ન બાદ અન્ય સાથે શારીરિક સંબંધો બાંધે, તો આ તેને છૂટાછેડાનો આધાર બનાવી શકે છે.
  • જો કોઈએ નપુંસકતા અથવા જાણી જોઈને બદલો લેવા માટે લગ્ન કર્યા છે, તો આવી સ્થિતિમાં તેઓ છૂટાછેડા લેવા કોઈપણ કોર્ટમાં જઈ શકે છે.
  • જો પુરુષે કોઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોય અથવા લગ્ન બાદ મહિલા કોઈ અન્ય વ્યક્તિથી ગર્ભવતી બની હોય તો આવી સ્થિતિમાં છૂટાછેડા લેવા કોર્ટમાં અરજી કરી શકાય છે. જો મહિલા અથવા પુરુષમાંથી કોઈપણ ધર્મપરિવર્તન કરે છે તો તેને છૂટાછેડાની અરજીનો આધાર બનાવી શકાય છે.
  • સંપત્તિ મામલે મહિલા અને પુરુષનો સમાન અધિકાર હશે, તેમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરાશે નહીં. આ ઉપરાંત વિલ અને વારસાને લગતા ઘણાં પ્રકારના નિયમો પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *