ભારતીય યુવા ટીમે અંડર ૧૯ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન થઇ શકે છે.

અંડર ૧૯ વર્લ્ડ કપમાં યુવા ટીમ ઇન્ડિયા પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે. મંગળવારે રમાયેલી સેમીફાઇનલ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને બે વિકેટથી હરાવી ટીમ ઇન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત સતત પાંચમી વખત અને કુલ નવમી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. કેપ્ટન ઉદય સહારનની યુવા ભારતીય ટીમને ઈતિહાસ રચવાનો અવસર છે.
U૧૯ વર્લ્ડ કપ ભારત ચેમ્પિયન
અંડર ૧૯ વર્લ્ડ કપમાં ભારત સફળ ટીમ છે. સાઉથ આફ્રિકાને સેમી ફાઇનલમાં હરાવી ટીમ ઇન્ડિયા નવમી વખત ફાઇનલમાં પહોંચી છે. અંડર ૧૯ વર્લ્ડ કપમાં સૌથી વધુ ભારત પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. વર્ષ ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૨ માં ભારત ચેમ્પિયન બન્યું છે. વર્ષ ૨૦૦૬, ૨૦૧૬ અને ૨૦૨૦ માં રનર્સ અપ બન્યું હતું.
ફાઇનલમાં પાકિસ્તાન સામે થઇ શકે ટક્કર
અંડર ૧૯ વર્લ્ડ કપ ૨૦૨૪ ચેમ્પિયન બનવા માટે ફાઇનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન સાથે થઇ શકે છે. સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત ફાઇનલમાં આવી ગયું છે. બીજી સેમિ ફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે જે જીતશે એ ભારત સાથે ફાઇનલ મેચ રમશે. ૧૧ ફેબ્રુઆરીએ ફાઇનલ જંગ ખેલાશે. અહીં નોંધનિય છે કે, વર્ષ ૨૦૦૬ માં ભારત vs પાકિસ્તાન ફાઇનલ જંગ ખેલાયો હતો જેમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.
ગુજરાતના રાજ લિંબાણી એ અંડર ૧૯ ટીમમાં કરી કમાલ
પાકિસ્તાન સામેની સેમી ફાઇનલ મેચમાં જો ઓસ્ટ્રેલિયા જીતે તો અંડર ૧૯ વર્લ્ડ કપ ફાઇનલ જંગમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. જો આવું થાય તો ક્રિકેટ ફેન્સને વર્ષ ૨૦૨૩ માં રમાયેલ આઇસીસી વન ડે વર્લ્ડ કપની યાદ તાજી થઇ શકે છે. આઇસીસી વન ડે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું.