ઉત્તર પ્રદેશ વિધાનસભા બજેટ સત્રમાં યોગી સરકાર પર વરસ્યા અખિલેશ, યુપી બેરોજગારો પર લાઠીચાર્જ કરવામાં, ગુનેગારોને બચાવવામાં નંબર વન.
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રમાં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) યોગી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા છે. અખિલેશે ગૃહમાં કહ્યું કે, રાજ્યપાલનું અભિભાષણ એક સરકારી દસ્તાવેજ છે. સરકાર જે ઈચ્છે છે, અભિભાષણમાં તે જ વાતો હોય છે.
અખિલેશ યાદવે યોગી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશ સૌથી વધુ કાર્યકારી DGP બનાવવામાં, ખોટા પ્રચાર પર ખર્ચ કરવામાં, બેરોજગારો પર લાઠીચાર્જ કરવામાં, મહિલાઓ વિરુદ્ધના ગુનેગારોને બચાવવામાં, દલિતો અને પછાત વર્ગો પર અત્યાચાર ગુજારવામાં, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંઘર્ષ કરવામાં નંબર વન છે. ઉત્તર પ્રદેશ પીડીએ (પછાત, દલિતો અને લઘુમતીઓ) પર અત્યાચાર ગુજારવામાં નંબર વન છે. આ જ સત્ય છે.’
અખિલેશ યાદવે કહ્યું કે, ‘અયોધ્યા એરપોર્ટ બનાવવા માટે ખેડૂતો પાસેથી જમીન લેવામાં આવી રહી છે, પરંતુ તેમને યોગ્ય વળતર અપાઈ રહ્યું નથી. સરકાર ચિત્રકુટમાં ડિફેન્સ એક્સપો બનાવવાની છે, પરંતુ જમીન મામલે ખેડૂતોને જૂના ભાવે વળતર આપી રહી છે. સમાજવાદી પાર્ટીની સરકાર વખતે ચાર ઘણું વળતર અપાયું હતું. આખરે ખેડૂતો પર ખર્ચ કરવામાં સરકાર પાછીપાની કેમ કરી રહી છે. અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે લીધેલી જમીનનું વળતર અપાયું નથી. લોકોએ સરયૂમાં ઉભા રહી જનોઈની સોગંધ ખાધી હતી કે, ભાજપને મત નહીં આપીએ.’
રાજ્યપાલના અભિભાષણ પર બોલતા અખિલેશે કહ્યું કે, ‘હાલ ઉત્તરપ્રદેશમાં જેટલો ભ્રષ્ટાચાર છે, તેટલો પહેલા ક્યારેય થયો નથી. અયોધ્યામાં જમીન ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો. સરકારની દેખરેખ હેઠળ આ ભ્રષ્ટાચાર થયો. સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ ઝીરો થઈ ગઈ છે.’
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર કટાક્ષ કરતા સપા અધ્યક્ષે કહ્યું કે, ‘હવે લોકો વસૂલીના ડરે ૧૧૨ પર કૉ઼લ કરતા પણ ડરે છે. સપા સરકારની સૌથી ઝડપી રિસ્પોન્સ સિસ્ટમને બરબાર કરી નાખી છે. મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. રાજ્યમાં લૉ અલગ છે અને ઓર્ડર અલગ છે.’