હોમ લોનની EMI ઓછી નહીં થાય, રેપો રેટ ૬.૫ % યથાવત

આરબીઆઈ રેપોરેટ ૨૦૨૪, ભારતી રિઝર્વ બેન્કે રેપોરેટ ૬.૫ % યથાવત રાખ્યો છે, MSF (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ) અને બેંક રેટ ૬.૭૫ % પર યથાવત રાખવામાં આવ્યા.

આરબીઆઈ રેપો રેટ : હોમ લોનની EMI ઓછી નહીં થાય, રેપો રેટ 6.5 ટકા યથાવત

ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત છઠ્ઠી વખત પોલિસી રેપો રેટને ૬.૫ % પર જાળવી રાખ્યો છે. દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વચ્ચે, દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે, એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે, તો બીજી તરફ મોંઘવારી ઘટી છે.

આરબીઆઈ રેપોરેટ ૨૦૨૪ યથાવત

મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ઉદાર વલણમાંથી ખસી જવાનું વલણ જાળવી રાખ્યું છે. વૃદ્ધિની ગતિ ઝડપી છે અને મોટાભાગના વિશ્લેષકોના અંદાજ કરતાં વધી રહી છે. આ ઉપરાંત, MSF (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ) અને બેંક રેટ ૬.૭૫ % પર યથાવત રાખવામાં આવ્યા છે.

આર્થિક પ્રવૃત્તિની ગતિ ૨૦૨૪-૨૫ માં પણ ચાલુ રહેવાની અપેક્ષા

RBI ગવર્નર દાસે કહ્યું, ‘ખાદ્યપદાર્થોની કિંમતોમાં અનિશ્ચિતતા કોર ફુગાવાને અસર કરે છે. ૨૦૨૪ માં વૈશ્વિક વિકાસ દર સ્થિર રહેવાનો અંદાજ છે. MPC ફુગાવાને ૪ % ના લક્ષ્યાંક પર રાખવા માટે પ્રતિબદ્ધ છે. આર્થિક પ્રવૃત્તિની ગતિ ૨૦૨૪-૨૫માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.

રિટેલ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૫.૪ %, ૨૦૨૪-૨૫ માટે ૪.૫ % રહેશે

તેમણે વધુમાં કહ્યું કે, વચગાળાના બજેટ મુજબ સરકાર રાજકોષીય એકત્રીકરણના માર્ગે ચાલી રહી છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં આર્થિક વિકાસ દર ૭ % રહેશે. આરબીઆઈનો અંદાજ છે કે, રિટેલ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૫.૪ %, ૨૦૨૪-૨૫ માટે ૪.૫ % રહેશે.

આરબીઆઈ કહે છે કે, ગ્રામીણ માંગ સતત વધી રહી છે, શહેરી વપરાશ મજબૂત છે. પોલિસી રેટ ફેરફારની સંપૂર્ણ અસર હજુ ડેટ માર્કેટ સુધી પહોંચી નથી. વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવથી સપ્લાય ચેન પર અસર થઈ રહી છે અને કોમોડિટીના ભાવ, ખાસ કરીને ક્રૂડ ઓઈલ પર દબાણ આવી રહ્યું છે.

વિદેશથી રેમિટન્સના મામલામાં ભારત આગળ રહેશે

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, વિદેશથી રેમિટન્સના મામલામાં ભારત સૌથી આગળ રહેશે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની સેવાઓની નિકાસ મજબૂત રહી હતી. ભારતનું વિદેશી વિનિમય અનામત $ ૬૨૨.૫ બિલિયન છે; તમામ વિદેશી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *