હલ્દવાની હિંસા બાદ આખા ઉત્તરાખંડમાં અલર્ટ

૬ લોકોનાં મોત, તોફાનીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ, બજાર-સ્કૂલો અને ઇન્ટરનેટ બંધ.

ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બૂલડોઝર ફરતાં સ્થાનિક લોકોએ નગર પાલિકા તેમ જ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી હતી. સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે આખાય વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. સરકારે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી અને તોફાની તત્વોને દેખો ત્યાં ઠારનો આદેશ આપતા મામલો વધારે ગંભીર બન્યો હતો.

બબાલમાં ૬ લોકોના મોત

બબાલમાં મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં ૬ લોકોના મોત થઇ ચૂક્યા હતા. મહિલા એસડીએમ અને એસપી સહિત અંદાજિત ૨૫૦ થી વધુ લોકો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા હતા, આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તંગ પરિસ્થિતિને જોતા ડીએમ વંદનાએ નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાત્રે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ચાર કંપની પીએસી સહિત જિલ્લાભરના પોલીસ સ્ટેશન અને ચોકીઓનો સ્ટાફ બાણભૂલપુરા પહોંચ્યો હતો. બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. આજે (શુક્રવાર) બજારો અને તમામ શાળાઓ બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *