સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થયા બાદ ઈશાને કોઈપણ પ્રકારની ક્રિકેટ નથી રમી રહ્યો એવામાં હવે BCCI આ બાબતને ધ્યાનમાં રાખીને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડી ઈશાન કિશન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની રહ્યા છે. હાલ ઈશાન ટીમ ઈન્ડિયામાંથી બહાર છે અને સતત વિક્ષેપ છતાં તે રણજી ટ્રોફી રમી રહ્યો નથી. ઈશાન છેલ્લે નવેમ્બરમાં ક્રિકેટ રમ્યો હતો. જે બાદ માનસિક થાકને કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો અને હવે તેના કારણે BCCI મોટો નિર્ણય લેવા જઈ રહી છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થયા બાદ ઈશાને કોઈપણ પ્રકારની ક્રિકેટ રમી નથી. કોચ રાહુલ દ્રવિડને ઈશાન વિશે ઘણી વખત પૂછવામાં આવ્યું છે. તાજેતરમાં આવું થયું ત્યારે રાહુલ થોડો ચિડાયેલો જણાતો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે ઈશાનને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે ક્રિકેટ રમવું પડશે.
થોડા દિવસો બાદ રિપોર્ટ આવ્યો કે ઈશાને બરોડામાં હાર્દિક અને કૃણાલ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. જોકે, તે હજુ પણ ક્રિકેટ રમી રહ્યો નથી. હાલ તેની ટીમ ઝારખંડ રણજી ટ્રોફી રમી રહી છે, પરંતુ આ માટે ઈશાને તેણી ઉપલબ્ધતા જાહેર કરી નથી. તેમના આ નિર્ણય પર અનેક પ્રતિક્રિયાઓ આવી છે. ઘણા અનુભવીઓએ તેને વિચિત્ર ગણાવ્યું છે. પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ તેનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું હતું.
BCCI આ બાબતને ધ્યાનમાં રાખીને મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. એક અહેવાલ અનુસાર, BCCI તમામ ખેલાડીઓને નોટિસ આપવા જઈ રહ્યું છે કે તેઓએ રણજી ટ્રોફી રમવી જ પડશે, જો કે ઈજાગ્રસ્ત ખેલાડીઓને આમાંથી મુક્તિ આપવામાં આવશે.
કેટલાક ખેલાડીઓ IPLની તૈયારી કરવા લાગ્યા છે.
એક સૂત્રએ આ મુદ્દે જણાવ્યું હતું કે,’આગામી થોડા દિવસોમાં, BCCI તમામ ખેલાડીઓને તેમની રાજ્યની ટીમો માટે રણજી ટ્રોફી રમવા માટે કહેશે. NCAમાં રાષ્ટ્રીય ફરજ બજાવતા, ઈજાગ્રસ્ત અને સ્વસ્થ થઈ રહેલા ખેલાડીઓને આમાંથી મુક્તિ આપવામાં આવશે. બોર્ડ જાન્યુઆરીમાં જ કેટલાક ખેલાડીઓ IPLની તૈયારી કરવા લાગ્યા છે એ કારણે ઘણી નાખુશ છે.
જો એક રીતે જોવામાં આવે તો આ નિર્ણય ફક્ત ઇશાન કિશનને કારણે નથી લેવામાં આવ્યો. કૃણાલ પંડ્યા અને દીપક ચહર જેવા અન્ય ખેલાડીઓ પણ રણજી ટ્રોફી મેચોમાં નિષ્ક્રિય રહ્યા છે. શ્રેયસ અય્યર પણ ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. આ બધાને હવે ફરી ટીમનો હિસ્સો બનવા માટે પહેલા રણજી રમવું પડી શકે છે.