ચૂંટણીને લીધે IPLની ૧૭ મી સીઝનનું આયોજન ક્યારે થશે તે અંગેની મૂંજવણ હવે દૂર થઈ ગઈ છે. આ તારીખે IPLની ફાઈનલ મેચ ભારતમાં રમાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની ૧૭ મી સીઝનનું આયોજન ભારતમાં જ થશે. IPLનાં ચેરમેન તરફથી આ વાત અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લીધે આઈપીએલની આ વર્ષની મેચ UAE અથવા તો દક્ષિણ આફ્રીકામાં રમાશે તેવી અટકળો લગાડવામાં આવી રહી હતી પણ હવે આ તમામ અંદાજાઓ પર પૂર્ણવિરામ લાગ્યું છે. ચેરમેન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે IPLની ૧૭ મી સીઝન ભારતમાં જ રમાશે અને સીઝનની ફાઈનલ મેચ ૨૬ મેનાં રોજ રમાઈ શકે છે. જો કે હજુ સુધી ફાઈનલ તારીખ જાહેર નથી કરવામાં આવી. પણ ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થવા પહેલાં BCCI ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને ૮-૧૦ દિવસનો બ્રેક આપવા ઈચ્છે છે.
IPL ચેરમેન અરુણ ધૂમલે ૧૭ મી સીઝનનું આયોજન ભારતમાં જ થવાનો દાવો કર્યો છે. અરુણ ધૂમલે કહ્યું- “IPLની ૧૭ મી સીઝન ભારતમાં જ રમાશે. BCCI ટૂંક જ સમયમાં આઈપીએલ ૧૭ મી સીઝનની તારીખોનું એલાન કરશે. અમે લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યાં છે. જેવી લોકસભા ચૂંટણીની જાહેરાત થશે એ બાદ અમે IPLની ૧૭ મી સીઝનનું શિડ્યૂલ તૈયાર કરી દેશું.”