બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે કે ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ ટીમ ઈન્ડીયાનો કેપ્ટન રહેશે.
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતના કેપ્ટનને સત્તાવાર એલાન થઈ ગયું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારે પુષ્ટિ કરી હતી કે રોહિત શર્મા આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે.
રાજકોટના ખંઢેરીના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ કરવાના પ્રસંગે બોલતાં જય શાહે કહ્યું કે ભલે ભારત વર્લ્ડ કપ ૨૦૨૩ ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું પરંતુ રોહિતના નેતૃત્વમાં ટી-૨૦ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે. “૨૦૨૩ (ફાઇનલ) માં અમદાવાદ ખાતે, આપણે સતત ૧૦ જીત પછી વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા, તેમ છતાં, ટીમ આપણા દિલ જીતી લીધાં. હું તમને વચન આપવા માંગુ છું કે ૨૦૨૪માં (ટી ૨૦ વર્લ્ડ કપ) બાર્બાડોસમાં (વેસ્ટ ઈન્ડીઝમાં ફાઇનલ માટેનું સ્થળ), રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ, હમ ભારત કા ઝંડા ગાડેંગે (તિરંગો ફરકાવીશું).
જય શાહે જ્યારે આ એલાન કર્યું ત્યારે રોહિત હસતો જોવા મળ્યો હતો અને બીજા ખેલાડીઓએ પણ તાળીઓના ગડગડાટથી રોહિતની આગેવાનીમાં ટી ૨૦ વર્લ્ડ કપ રમવાની હામી ભરી દીધી હતી. આ પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.