સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ લગાવી દીધો. વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે.

સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ને ૨૦૧૯ થી લઇને ચૂંટણી બોન્ડ સાથે જોડાયેલી તમામ જાણકારી ત્રણ સપ્તાહની અંદર ચૂંટણી પંચને આપવા માટે આદેશ આપ્યો છે. આ સાથે જ ચૂંટણી પંચે આ તમામ જાણકારી પોતાની વેબસાઈટ પર પબ્લિશ કરવી પડશે. વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે અને ભાજપ પર પ્રહારો કર્યા છે.
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે આ સમગ્ર આયોજન અરુણ જેટલીના મગજની ઉપજ છે. આ યોજના માત્ર ભાજપને લાભ આપવા માટે લાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં છે અને તેને ચૂંટણી બોન્ડથી સૌથી વધુ ફાયદો તેમને જ થશે. આ ફક્ત ઉદ્યોગ અને ભાજપ વચ્ચેનો સંબંધ છે. આ કારણે પાર્ટીને સૌથી વધુ ફંડ મળ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપને લગભગ ૫ થી ૬ હજાર કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. સિમ્બલ કહ્યું કે જો તમારી પાસે આટલી મોટી રકમનું ભંડોળ છે, તો તમે તમારી પાર્ટીને ખૂબ મજબૂત કરી શકો છો. આરએસએસનું માળખું મજબૂત કરી શકીએ છીએ.
ઈલેક્ટોરલ બોન્ડ – કોંગ્રેસ અધ્યક્ષે આ નિર્ણયને આવકાર્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે મોદી સરકારની આ કાળા નાણાં રૂપાંતર યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી છે. અમને ખબર છે કે કેવી રીતે મોદી સરકાર, પીએમઓ અને નાણાં મંત્રાલયે ભાજપની તિજોરી ભરવા માટે સંસ્થા આરબીઆઈ, ચૂંટણી પંચ, સંસદ અને વિપક્ષ પર બુલડોઝર ચલાવ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો તમારી સામે છે. ભાજપે ચૂંટણી બોન્ડને લાંચ અને કમિશન લેવાનું માધ્યમ બનાવ્યું હતું. આજે આ મામલે મહોર મારવામાં આવી છે.