ગુજરાત હવામાન અપડેટ: હવામાન નિષ્ણાતોએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરી છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યમાં હાલ સવારે અને રાતે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે જ્યારે બપોરે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. હવામાન નિષ્ણાતોએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરી દીધી છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પાંચ દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતના વાતાવરણમાં બે દિવસ કોઇ મોટો તફાવત નહીં થાય. પરંતુ બે દિવસ બાદ લધુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું થશે.
રામાશ્રય યાદવે આગાહીમાં વધુ જણાવ્યુ કે, છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૦.૪ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછું તાપમાન ડીસામાં ૧૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો આગામી ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૦ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૮ ડિગ્રી સેલ્શિય તાપમાન જવાની શક્યતા સેવાઇ રહી છે.