યાત્રાથી ૫ દિવસ માટે બ્રેક લઈને રાહુલ ગાંધી દિલ્હી બાદ વિદેશમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી જવાના છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલના સમયે ઉત્તરપ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. જોકે તે ૨૬ ફેબ્રુઆરીએ અચાનક આ યાત્રાને પડતી મૂકીને વિદેશ જવા રવાના થશે. ત્યારબાદ ૫ દિવસ પછી ફરી આ યાત્રા શરૂ થશે. તેમણે આ નિર્ણય કેમ લીધો છે તેનું કારણ પણ હવે સામે આવ્યું છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધી આગામી ૨૬ ફેબ્રુઆરી બાદ ૧ માર્ચ સુધી ભારત જોડો ન્યાય યાત્રાથી બ્રેક લેશે કેમ કે દિલ્હીમાં લોકસભા ચૂંટણીને લઈને અનેક મહત્ત્વપૂર્ણ બેઠકો યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં તેમની હાજરી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત રાહુલ ૨૭-૨૮ ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટી જશે જ્યાં બે લેક્ચર આપશે.
અમે ૨ માર્ચથી ફરી યાત્રા શરૂ કરીશું. રાહુલ ગાંધી ૫ માર્ચે ઉજ્જૈન જશે અને ત્યાં મહાકાલેશ્વર મંદિરે ભગવાન મહાકાલના દર્શન કરશે. જયરામ રમેશે આ દરમિયાન પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે પીએમ મોદી અમૃતકાળના નામે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમનું ૧૦ વર્ષનું શાસન અન્યાય કાળનું શાસન હતું.