કર્ણાટકમાં મંદિરો પર ૧૦ ટકા ટેક્સ વસૂલીને મંજૂરી આપતું બિલ પસાર

૧ કરોડની વધુની કમાણી કરતાં મંદિરો પાસેથી ૧૦ % ટેક્સ વસૂલાશે.

 


કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે ફરી એકવાર ભાજપ સામે મોરચો માંડ્યો છે. સરકારે બુધવારે કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસતી બિલ ૨૦૨૪ પસાર કર્યું. આ બિલ પસાર થયા બાદ ભાજપે સિદ્ધારમૈયા સરકારને હિન્દુવિરોધી ગણાવી હતી. 

ખરેખર તો કર્ણાટકમાં ૧ કરોડ રૂપિયાથી વધુની કમાણી ધરાવતા મંદિરો પાસેથી ૧૦ % ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે જે મંદિરોની આવક ૧૦ લાખથી ૧ કરોડની વચ્ચે હશે તેમણે ફક્ત ૫ % ટેક્સ ચૂકવવાનો રહેશે.

કર્ણાટક સરકારના આ નિર્ણય સામે વાંધો ઊઠાવતાં કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું કે સિદ્ધારમૈયા સરકાર હિન્દુવિરોધી નીતિઓ અપનાવી તેના ખાલી ખજાનાને ભરવા માગે છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે કોંગ્રેસ સરકાર રાજ્યમાં સતત હિન્દુવિરોધી નીતિઓ અપનાવી રહી છે. કોંગ્રેસે હવે હિન્દુ મંદિરોના રાજસ્વ પર તેની નજર દોડાવી છે. યેદિયુરપ્પાએ કહ્યું કે કોંગ્રેસે તેના ખાલી ખજાનાને ભરવા માટે હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્તી બિલ પસાર કર્યું છે. આ ફંડનો ઉપયોગ કોંગ્રેસ બીજા ઉદ્દેશ્યો માટે કરવા માગે છે. તેમણે કહ્યું કે ફક્ત હિન્દુ મંદિરોને જ કેમ નિશાન બનાવાઈ રહ્યા છે? અન્ય ધર્મોને કેમ નહીં? 

ભાજપ નેતાના સવાલો પર કોંગ્રેસ નેતા અને કર્ણાટક સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ જવાબ આપ્યો હતો. તેમણે ભાજપ પર કોંગ્રેસને હિન્દુવિરોધી ગણાવીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો. રેડ્ડીએ કહ્યું કે કોંગ્રેસે વર્ષોથી સતત મંદિરો અને હિન્દુઓના હિતોની રક્ષા કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *