નફે સિંહ રાઠી પોતાની ફોર્ચ્યુનર કારમાં સવાર હતા. આ દરમિયાન કેટલાક હુમલાખોરો તેમના પર ગોળીબાર કર્યો હતો.

હરિયાણાના બહાદુરગઢમાં ઇન્ડિયન નેશનલ લોક દળના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આઈએનએલડીના પ્રવક્તા રાકેશ સિહાગે ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ કરી કે પૂર્વ ધારાસભ્ય જ્યારે એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં નફે સિંહનું મોત થયું છે.
હુમલા બાદ પૂર્વ ધારાસભ્ય નફે સિંહ અને અન્ય ઇજાગ્રસ્તોને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નફે સિંહ અને તેમના સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું.
નફે સિંહ રાઠીની ફોર્ચ્યુનર કાર પર ગોળીબાર કર્યો
જણાવવામાં આવી રહ્યું છે કે નફે સિંહ રાઠી પોતાની ફોર્ચ્યુનર કારમાં સવાર હતા. આ દરમિયાન કેટલાક હુમલાખોરો તેમનો પીછો કરી રહ્યા હતા. જ્યારે નફે સિંહની કાર બારાહી ફાટક પાસે પહોંચી તો તેમણે પૂર્વ ધારાસભ્ય પર ગોળીબાર કર્યો હતો.
તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે બંને વખત તે બહાદુરગઢથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ બે વાર બહાદુરગઢ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ ઓલ ઈન્ડિયન સ્ટાઈલ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત રોહતક લોકસભા સીટથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
અભય સિંહ ચૌટાલાના ખૂબ જ નજીક હતા
હાલના દિવસોમાં નફે સિંહ રાઠી હરિયાણામાં પોતાની પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદળની પરિવર્તન યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમને અભય સિંહ ચૌટાલાના ખૂબ જ નજીકના નેતા માનવામાં આવતા હતા અને તેઓ તેમના વિશ્વાસુ પણ હતા, તેથી રાઠીની હત્યાથી આઈએનએલડીને પણ મોટો ઝટકો લાગી શકે છે. નફે સિંહ રાઠીના રાજકીય કદની વાત કરીએ તો તેમને આઈએલએડી સુપ્રીમો ઓપી ચૌટાલા અને અભય ચૌટાલાના નજીકના માનવામાં આવતા હતા.
આઈએનએલડીમાં વિભાજન બાદ પણ તેઓ ઓપી અને અભય ચૌટાલા સાથે રહ્યા હતા. જેજેપીની રચના અંગે નારાજગી વ્યક્ત કરવા બદલ રાઠીએ દુષ્યંત ચૌટાલા પર આકરા પ્રહારો કર્યા હતા.