પીએમ મોદી સમુદ્રમાં ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે પોતાની સાથે મોર પીંછ પણ લઈને ગયા હતા. પીએમે કહ્યું – પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે દેશ અને રાજ્ય બંને માટે મહત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના દ્વારકામાં સમુદ્રની નીચે ઊંડા પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં જઇને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન પણ કર્યા હતા. પીએમ મોદી સમુદ્રમાં સ્કૂબા ડાઇવિંગ કરીને દ્વારકા નગરીના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ સ્કૂબા ડાઇવિંગની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે.
દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો – પીએમ મોદી
પીએમ મોદીએ દ્વારકા નગરીને લઇને કહ્યું કે આ અનુભવે મારા ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે એક દુર્લભ અને ઊંડો સંબંધ પ્રસ્તુત કર્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી સમુદ્રમાં ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે પોતાની સાથે મોર પીંછ પણ લઈને ગયા હતા. પીએમ મોદીએ આ વિશે એક્સ પર એક પોસ્ટ પણ લખી હતી અને કહ્યું હતું કે પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો.

પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારિકાધામને નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં બિરાજમાન છે. અહીં જે પણ થાય છે તે દ્વારકાધીશની મરજીથી થાય છે. મેં દરિયામાં ઊંડે સુધી જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ સમુદ્રમાં સમાઇ ગયેલ તે દ્વારકા વિશે ઘણું લખ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે આ નગરીનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. આજે મારું મન ઘણું ગદગદ છે. હું ભાવવિભોર છું. દાયકાઓથી જે સપનું સેવવામાં આવતું હતું તે આજે પૂર્ણ થયું છે. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે મારી અંદર કેટલો આનંદ હશે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો.

૨.૩૨ કિલોમીટર લાંબા દરિયાઈ પુલ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે બેટ દ્વારકા સ્થિત મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ઓખાથી બેટ દ્વારકા ટાપુને જોડતા 2.32 કિલોમીટર લાંબા દરિયાઈ પુલ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. આ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે, જેનો શિલાન્યાસ 2017માં પીએમ મોદીએ કર્યો હતો. આ બ્રિજને ૯૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશ મંદિરના દર્શન પણ કર્યા હતા. તેમણે અહીં પૂજા-અર્ચના કરી હતી.
પીએમે અહીં દાન પણ આપ્યું હતું. તેમણે દ્વારકા પીઠના શંકરાચાર્યની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન શંકરાચાર્યએ પીએમને અંગવસ્ત્ર અને રુદ્રાક્ષની માળા અર્પણ કરી હતી.
પીએમ મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને સ્નોર્કલિંગની મજા માણી હતી અને તેમની તસવીરો શેર કરી હતી અને દેશવાસીઓને રજા ગાળવા અહીં આવવાની અપીલ કરી હતી. હવે તેમની સ્કૂબા ડાઇવિંગ કરતા તસવીરો સામે આવી છે.