ભારતે રાંચી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને ટેસ્ટ સિરીઝ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી અને પાંચ વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીએ અણનમ ભાગીદારી કરી અને ભારતને જીત અપાવી હતી.

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચ પાંચ વિકેટે જીતી લીધી છે. ભારતીય ટીમે રમતના ચોથા દિવસે (૨૬ ફેબ્રુઆરી) ચા પહેલા ૧૯૨ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ૩-૧ ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ શ્રેણી ૭ માર્ચથી ધર્મશાલામાં રમાશે.
કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ૮૪ રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ આદરપૂર્વક સારા બોલ રમ્યા, જ્યારે છૂટક બોલને સખત માર્યા. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં (૨૫ ફેબ્રુઆરી) બંનેએ મળીને ૪૦ રન જોડ્યા હતા. ત્યાર બાદ આજે રોહિત શર્માએ જેમ્સ એન્ડરસનના બોલને સિક્સર ફટકારીને ભારતના સ્કોરને ૫૦ ની પાર પહોંચાડી દીધો હતો. ત્યારબાદ યશસ્વીએ પણ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા.