આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોને લઈ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે.
આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોને લઇ ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ બેઠક મળનારી છે. જેમાં તમામ બેઠકો પર સેન્સ પ્રક્રિયા બાદ સામે આવેલા નામોની ચર્ચા થશે. આ બેઠકમાં જે નામોની ચર્ચા થશે તે નામો બેઠક બાદ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. ત્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો બાબતે છેલ્લો નિર્ણય લેશે. મહત્વનું છેકે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો હાલ ભાજપ પાસે છે..ત્યારે ભાજપ અનેક લોકસભા બેઠકો પર નવા ઉમેદવાર જાહેર કરી શકે છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ૨૫ થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી
લોકસભાની ચૂંટણીની જાહેરાતને ગણતરીને દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત તમામ રાજ્યની તમામ લોકસભાની બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ઘરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ૨૫ થી વઘુ લોકોએ સેન્સ પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય ગૃહ પ્રઘાન એવા પ્રદિપસિંહ જાડેજા અને ગોરઘનભાઇ ઝડફિયાએ લોકસભા ચૂંટણીમાં દાવેદારી નોંઘાવી છે. ઉપરાંત અન્ય ચહેરોની વાત કરવામાં આવે તે નરોડાના પૂર્વ ઘારાસભ્ય બલરામ થાવાણી, દહેગામના કોંગ્રેસના પુર્વ ઘારાસભ્ય કામિનીબા રાઠોડ, અને હાલના સાંસદ સભ્ય હસમુખ પટેલે પણ ફરીથી ટીકીટ મેળવવાની ઇચ્છા દર્શાવી છે.
રાજકોટ બેઠક પરથી લેઉવા પાટીદારને તક આપવા રજૂઆત
રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપે દાવેદારો બાબતે સેન્સ લીધી હતી. નિરીક્ષકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકરો પાસેથી દાવેદારોના નામ અને સેન્સ મેળવી હતી. રાજકોટ બેઠક ઉપર પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને ટિકિટ આપવાના સૂર ઉઠ્યા છે. શહેર ભાજપ સંગઠને ભરત બોઘરાને ટિકિટ આપવા રજૂઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. કડવા પાટીદાર ચહેરા બાદ હવે લેઉવા પાટીદાર ચહેરાને તક આપવા રજૂઆત કરી છે. છેલ્લી ૨ ટર્મથી કડવા પાટીદાર મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવી હતી. સેન્સ પ્રકિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષક તરીકે આવેલા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યુ હતુ કે, જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને 5 લાખથી વધુની લીડથી જીતાડીશુ તેવી તમામ કાર્યકરોએ સેન્સ આપી હતી. ટિકિટ કોને આપવી તે પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે.
પૂર્વ Dy.CM એ દાવેદારી નોંધાવી
મહેસાણા લોકસભા માટે આજે મહેસાણા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે કુંવરજી બાવળિયા,જયંતીભાઈ કાવડિયા અને જ્હાનવીબેન વ્યાસ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં જિલ્લાના તેમજ પ્રદેશના દિગ્ગજ નેતાઓએ પણ દાવેદારી નોંધાવી છે. જેમાં કેટલાક નેતાઓ હજી દાવેદારીનો સ્વીકાર કરી રહ્યા નથી. પરંતુ તેઓ અથવા તેમના અંગત માણસો સેન્સ પ્રક્રિયામાં હાજર દેખાતા તેમની દાવેદારી હોવાની સાબિતી મળતી હતી. નીતિન પટેલ, રજની પટેલ, કે.સી.પટેલ સહિતના નેતાઓની દાવેદારી જોવા મળી છે.
બનાસકાંઠા બેઠક માટે ૭૫ થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી
લોકસભા ૨૦૨૪ ની બનાસકાંઠા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ૭૫ થી વધુ અપેક્ષિત ઉમેદવારો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત કરાઈ હતી. જેમાં સાંસદ પરબત પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ પાલનપુર ધારાસભ્ય અનિકેતન ઠાકર પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા સહિત જિલ્લા ભાજપના ૭૫ જેટલા સંગઠનના હોદ્દેદારોએ અપેક્ષિત ઉમેદવારી નોંધાવવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જોકે સેન્સ પ્રક્રિયાએ ભાજપની એક પ્રક્રિયા છે અને પ્રદેશ મોવડી મંડળના આદેશને આધારે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારે 400 પાર ના લક્ષ્યાંક સાથે તમામ બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ૭૫ થી વધુ અપેક્ષિત ઉમેદવારો છે. જેમાં સાંસદ પૂર્વ સાંસદ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પ્રમુખ સહિતના વિવિધ હોદ્દા ધરાવતા ભાજપના હોદ્દેદારોએ આજે લોકસભા માટે ઉમેદવારને લઈને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. જોકે બનાસકાંઠા સીટ માટે મોટી સંખ્યામાં હાલ તો અપેક્ષિત જોવા મળ્યા હતા.પરંતુ અંતે ભાજપ મોવડી મંડળ લોકસભા માટે કોની પસંદગી કરે છે તેના પર સૌની નજર છે.
જૂનાગઢ લોકસભા સીટ પર ૭ લોકોએ ઉમેદવારી નોંધાવી
લોકસભા ચૂંટણીને લઈ જૂનાગઢમાં પણ ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા, કિરીટ પટેલે દાવેદારી નોંધાવી હતી. તો પૂર્વ મહિલા મેયર જ્યોતિબેન વાછાણી, ગીતાબેન મામલે પણ દાવેદારી નોંધાવી હતી. જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ દિનેશ ખટારિયાએ દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયાએ પણ દાવેદારી નોંધાવી હતી. તો બીજી તરફ કોર્પોરેટર ભાવનાબેન હીરપરાએ દાવેદારી નોંધાવી હતી. ભાજપ નેતા બીના આચાર્ય, મનસુખ ખાચરિયા અને વિક્રમ ચૌહાણે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જૂનાગઢ અને ગીર સોમનાથની સંયુક્ત લોકસભા બેઠક છે. જૂનાગઢ બાદ ગીર સોમનાથમાં પણ સેન્સ પ્રક્રિયા યોજાશે.