શાહજહાં શેખની ઉત્તર ૨૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેને ૫૫ દિવસથી શોધી રહી હતી. હાઈકોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

TMC નેતા અને સંદેશખાલી કાંડના મુખ્ય આરોપી શાહજહાં શેખની પશ્ચિમ બંગાળમાં ધરપકડ કરવામાં આવી છે. ANI અનુસાર શાહજહાં શેખની ઉત્તર ૨૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેને 55 દિવસથી શોધી રહી હતી. હાઈકોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ તેને સવારે લગભગ ૦૫:૦૦ વાગે બસીરહાટના પોલીસ લોકઅપમાં લઈ ગઈ. શાહજહાં શેખને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
કોણ છે શાહજહાં શેખ?
શાહજહાં શેખને ટીએમસીના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાય છે. શાહજહાં શેખ સંદેશખાલીમાં ટીએમસીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેનું નામ જાન્યુઆરીમાં પહેલીવાર ચર્ચામાં આવ્યું જ્યારે EDની ટીમ રાશન વિતરણ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે પશ્ચિમ બંગાળ પહોંચી. શાહજહાં શેખના સાગરિતોએ EDની ટીમ પર હુમલો કર્યો હતો. EDએ શાહજહાં શેખ સામે સમન્સ જારી કર્યું હતું. મહિલાઓએ તેમના પર જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે.

સંદેશખાલી કેસમાં ટીએમસી નેતાના ઘરમાં તોડફોડ
સોમવારે ટીએમસી નેતા શંકર સરદારના ઘરમાં કેટલીક મહિલાઓએ તોડફોડ કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ સરદાર શંકરનું ઘર ઉત્તર ૨૪ પરગણાના સંદેશખાલી સ્થિત પોલપરા ગામમાં છે. તેની પત્નીએ આરોપ લગાવ્યો છે કે કેટલીક સ્થાનિક મહિલાઓએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે હાજર છે.
એક સ્થાનિક મહિલાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તે એક એનજીઓ માટે કામ કરે છે. ટ્રકમાં તેમના માટે સામાન આવે છે. તેણે અજિત મૈથી અને શંકર પર તેનો માલ અને દુકાન લૂંટવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ કહ્યું કે અજિત મૈથી અને શંકર તેમને કામ કરવા દેતા નથી. મહિલાએ કહ્યું કે તે આદિવાસી છે અને અજિત મૈથી અને શંકર તેમની જમીન, જંગલ અને પાણી છીનવી લીધા છે.
સંદેશખાલી કેસ : પોલીસ અધિકારીએ શું કહ્યું?
બસીરહાટના એસપી એચએમ રહેમાને જણાવ્યું હતું કે શંકર સરદારના ઘરે કેટલીક મહિલાઓ ઘૂસી ગઈ હતી. હું સંદેશખાલીના લોકોને કહું છું કે કાયદો હાથમાં ન લે, નહીં તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શાહજહાં શેખ સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે અમને તેમની વિરુદ્ધ ફરિયાદો મળી છે. અમે કાર્યવાહી કરીશું. અમે શેખ શાહજહાં વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.