ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ વિભાગોમાં ૫૫૦૦ થી વધુ જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેના માટે સાડા ૫ લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
૧ એપ્રિલથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે ઉમેદવારોના હિતમાં મંડળે મહત્વનો નિર્ણય લીધો છે. ઓનલાઈન પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાવવા ઈચ્છતા ઉમેદવારો પુરાવા સાથે ૧૨ માર્ચ સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને રજૂઆત કરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ૩ કિસ્સામાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. જો ઉમેદવારોના લગ્ન હોય તો ઉમેદવારોએ કંકોત્રી અને ૫૦ રૂપિયા સ્ટેમ્પ પેપર પર સોગંધનામું રજૂ કરવુ પડશે. લગ્નની તારીખ બાદ ૨ મહિનાની અંદર ઉમેદવારોએ મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે.
જો કોઈ ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષા હોય તો આ માટે જરૂરી પુરાવા સાથે સોગંદનામું રજૂ કરવુ પડશે. પ્રસૂતિના કિસ્સામાં મહિલા ઉમેદવારોએ તબીબી પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. આવા ઉમેદવારો માટે અન્ય દિવસોમાં પરીક્ષાનું આયોજન કરાશે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ વિભાગોમાં ૫૫૦૦ થી વધુ જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેના માટે સાડા ૫ લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.