અમદાવાદના બોપલ ખાતે ઈન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું સાયન્સ-ટેકનોલોજીના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે કર્યું ઉદ્ધાટન

ભારતમાં ઈસરો અને ઇન-સ્પેસ સાથે મળી એક ઈકોસિસ્ટમ ઊભી કરશે.

ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન (IN-Space) ના ટેકનિકલ સેન્ટરનું સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે ઉદ્ઘાટન કર્યું હતું. ઇન- સ્પેસમાં પ્રાઇવેટ કંપની, સ્ટાર્ટઅપ સેટેલાઇટ, પેલોડના લોન્ચિંગ પહેલાના તમામ પ્રકારના ટેસ્ટિંગની સુવિધા છે. હાલમાં ટેકનિકલ વર્કશોપમાં ૦.૮ મીટરના થર્મલ વેક્યુમ ટેસ્ટિંગ ચેમ્બર છે. પરંતુ ટૂંક સમયમાં ૧.૫ મીટરની ચેમ્બર તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ અમદાવાદમાં ૬૦ કિલો જેટલા સેટેલાઇટ-પેલોડનું ટેસ્ટિંગ થઇ શકશે. થર્મલ વેક્યુમ ટેસ્ટ કર્યા વગર કોઇપણ સેટેલાઇટને લોંચ કરાતો નથી.

થર્મલ વેક્યુમ ટેસ્ટમાં સેટેલાઇટ-પેલોડના મટીરિયલને ટેસ્ટ કરાય છે. જેમાં પ્રોડક્ટ પર દબાણ, ઠંડી, ગરમી સહન કરવાની ક્ષમતા વગેરેની તપાસ કરાય છે. આ સેન્ટરમાં ક્લાઈમેટ સિમ્યુલેશન ટેસ્ટ ફેસિલિટી, થર્મલ એન્ડ વેક્યુમ એન્વાયર્મેન્ટ સિમ્યુલેશન ફેસિલિટી, થર્મલ એન્ડ વેક્યુમ એન્વાયર્મેન્ટલ સિમ્યુલેશન ફેસિલિટી, વાઇબ્રેશન ટેસ્ટ, સ્પેસ સિસ્ટમ્સ એસેમ્બલી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એન્ડ ચેકઆઉટ લેબોરેટરી, એઆઈટી પ્રવૃત્તિ માટે ક્લિન રૂમ સહિતની સુવિધા છે.

આજરોજ બોપલમાં આવેલા ઇન-સ્પેસના ટેકનિકલ સેન્ટરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ઇસરોના ચેરમેન એસ. સોમનાથ પણ હાજર રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે ઇન-સ્પેસ ટેક્નિકલ સેન્ટર આંત્રપ્રિન્યોર્સના આઇડિયાને સફળ બનાવવા માટે મદદ કરશે. ઈસરો અને ઇન-સ્પેસ સાથે મળી એક ઈકોસિસ્ટમ ઊભી કરશે. જે સ્પેસ ઇકોનોમીના વિકાસને વેગ આપશે. આવનારા સમયમાં ખાનગી કંપનીઓ પણ રોકેટ તૈયાર કરશે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. રાજ્યકક્ષાના મંત્રીએ જણાવ્યું કે, પહેલા સ્પેસ સેક્ટર ખાનગી કંપનીઓ માટે બંધ હતું. પરંતુ હાલની સરકારે ખાનગી કંપનીઓ પણ આ સેક્ટરમાં આવે તે માટેની વ્યવસ્થા કરી આપી છે. સાણંદમાં ૧૦૦ એકરમાં તૈયાર થનારા ટેકનોલોજીના પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર સાથે મળીને ઇન સ્પેસ કામ કરશે. ઇન સ્પેસના ચેરમેન ડો. પવન ગોયંકાએ જણાવ્યું હતું કે, સાણંદમાં તૈયાર થનારા પ્રોજેક્ટમાં નાના સેટેલાઇટ તૈયાર કરવામાં ઇન સ્પેસની મુખ્ય ભૂમિકા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *