અમેરિકામાં નિક્કી હેલીએ રાષ્ટ્રરપતિ પદની રેસમાંથી પોતાને દૂર કરી દીધા છે, જેના કારણે હવે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના નોમિનેશનના દાવેદાર તરીકે માત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ બચ્યા છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે આ નિર્ણય ‘સુપર ટ્યુઝડે’ના રોજ ૧૫ રાજ્યોની પાર્ટી પ્રાઇમરીમાં મળેલી હાર બાદ લીધો છે. હેલીના આ નિર્ણયથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાની રેસમાં એકમાત્ર મુખ્ય ઉમેદવાર બની રહેશે.
રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાની જાહેરાત કરતા નિક્કી હેલીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મારો ચૂંટણી પ્રચાર ખતમ થઈ જાય. મેં કહ્યું હતું કે અમેરિકનોનો અવાજ સાંભળવા માંગુ છું. અને મેં જ આ કર્યું છે. મને આ માટે કોઈ અફસોસ નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપર ટ્યુઝડે સ્પર્ધામાં વર્મોન્ટ સિવાયના તમામ રાજ્યોમાં હાર બાદ નિક્કી હેલીએ યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
અગાઉ, રાષ્ટ્રપતિ જો બાઇડને અને ટ્રમ્પે મંગળવારે યોજાયેલી રાજ્ય પ્રાથમિક ચૂંટણીઓમાં તેમની ઉમેદવારી જીતી હતી. હવે આ બંને નેતાઓ નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી એક બીજા સામે ટકરાશે. દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત નિક્કી હેલીને ૧૫ માંથી ૧૪ રિપબ્લિકન નોમિનેશન ચૂંટણીમાં ટ્રમ્પે હાર આપી હતી. આ રીતે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન ફરી એકવાર ૨૦૨૪ માં નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ટ્રમ્પનો સામનો કરશે. આ સતત ત્રીજી વખત થવા જઈ રહ્યું છે જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.