આર્મીના જેસીઓ રજા પર ઘરે આવ્યા હતા અને તેમના ઘરેથી તેમનું અપહરણ કરવામાં આવ્યું. સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મણિપુરની સ્થિતિ હજુ પણ વિસ્ફોટક છે. હિંસા વચ્ચે હવે સેનાના જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. શુક્રવારે સવારે આર્મીના જેસીઓનું તેમના જ ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. દસ દિવસ પહેલા પણ આવી જ રીતે એક અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. મણિપુરમાં ફરીથી બદલાઈ રહેલી આ સ્થિતિથી પ્રશાસનને ચિંતામાં મુકી દીધા છે.
સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન
જણાવવામાં આવી રહ્યું છે કે જે સેના અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું છે તે થોઉબલ જિલ્લામાંથી આવે છે. તે રજા પર ઘરે આવ્યા હતા અને તેમના ઘરેથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. હવે અપહરણનું કારણ શું હતું, કોણે કર્યું, તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ તો સુરક્ષા દળો દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીને ઝડપથી શોધવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
થોડા દિવસ પહેલા ઈમ્ફાલથી એએસપી રેન્કના અધિકારી પર હુમલો થયો હતો
હવે આ પહેલા પણ મણિપુરમાં આવા અપહરણો થઇ ચૂક્યા છે. થોડા દિવસ પહેલા ઈમ્ફાલથી એએસપી રેન્કના અધિકારી પર હુમલો થયો હતો. તે સમયે અન્ય એક અધિકારીનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં અપહરણ અધિકારીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેના કારણે સ્થિતિ તંગ બની ગઈ હતી. હવે આ તણાવપૂર્ણ સ્થિતિ હાલની નથી, પરંતુ છેલ્લા એક વર્ષથી આવો જ માહોલ છે.
મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે
મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે. તેમાં બે પહાડો પર રહે છે જ્યારે એક ખીણમાં રહે છે. મૈતેઇ એક હિન્દુ સમુદાય છે અને તેમાંથી લગભગ ૫૩ ટકા ખીણમાં રહે છે. અન્ય બે સમુદાયો છે નાગા અને કુકી. જે બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને ટેકરીઓમાં સ્થાયી થયા છે. હવે મણિપુરનો એક કાયદો છે જે કહે છે કે મૈતેઇ સમુદાયો ફક્ત ખીણમાં જ રહી શકે છે અને તેમને પહાડો પર જમીન ખરીદવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આ સમુદાય ચોક્કસપણે ઇચ્છે છે કે તેને અનુસૂચિત જાતિનો દરજ્જો મળે, પરંતુ હજી સુધી એવું થયું નથી.