દરિયામાં સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે સમુદ્રાના પાણીની અંદર વિશાળ ચાર પર્વતો શોધી કાઢ્યા છે અને તેમા એક પર્વત દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાથી ત્રણ ગણો ઉંચો છે.

દરિયો જેમ અસીમ અને અફાટ છે તેવી જ રીતે તેના પેટાળમાં ઘણા ગૂઢ રહસ્યો છુપાયેલા છે. વૈજ્ઞાનિકોએ દરિયામાં એક મહાકાય પર્વત શોધ્યાનો દાવો કર્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, દરિયાના અંદર રહેલો આ પર્વત દુબઇના બુર્જ ખલીફા કરતા ત્રણ ગણો ઉંચો હોવાનો દાવો કર્યો છે.
દરિયાની અંદર ૨.૫ કિમી થી ઉંચો પર્વત
શ્મિટ ઓસિન ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે, વૈજ્ઞાનિકોએ કોસ્ટા રિકાના ગોલ્ફિટો થી ચિલીના વાલપરાઇસો સુધી એક રિસર્ચ વેસલ પર પ્રવાસ કરવા દરમિયાન દરિયાના પાણીની અંદર નીચે ચાર પર્વતની શોધ કરી છે, જેમાં સૌથી ઉંચો પર્વત ૨.૫ કિલોમીટરથી પણ લાંબો છે.
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દરિયાની પાણીમાં શોધી કાઢવામાં આવેલા આ પર્વતનું કદ ૧,૫૯૧ કિલોમીટરથી લઈને લગભગ ૩,૬૮૧ કિલોમીટર સુધી છે, જે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની ઊંચાઈ કરતાં ત્રણ ગણી વધારે છે. નોંધનિય છે કે, ગત નવેમ્બરમાં ગ્વાટેમેલાના કિનારે દરિયાના પાણીની અંદર ૧૬૦૦ મીટર ઉંચા પર્વત શોધાયો હતો.
શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના દરિયાઇ ટેકનિશિયન અને પ્રશિક્ષિત હાઇડ્રોગ્રાફિક નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે પર્વતોનો અગાઉ કોઈપણ ડેટાબેઝમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે ટેકનિશિયનોએ કોસ્ટા રિકાથી ચિલી સુધીના પરિવહન દરમિયાન ગુરુત્વાકર્ષણની વિસંગતતાઓનું પરીક્ષણ કરવા માટે એક સંશોધન હાથ ધર્યું ત્યારે આ વિશાળ પર્વત મળી આવ્યો હતા. દરિયાના પેટાળમાં થતા ફેરફારોથી પણ સમુદ્રની સપાટી પર થોડો ફેરફાર થાય છે. ઊંડી ખીણ લો ડિપ્રેશનનું કારણ બની શકે છે, જ્યારે પર્વત સમુદ્રની ટોચ પર થોડો બમ્પ બનાવી શકે છે.
પર્વત શોધનાર સંશોધક પૈકીના એક જ્હોન ફુલ્મરે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે, અમે ભાગ્યશાળી છીએ કે સેટેલાઇટ અલ્ટિમેટ્રી ડેટામાં આ ગુરુત્વાકર્ષણ વિસંગતતાઓનો ઉપયોગ કરીને મેપિંગ રૂટનો પ્લાન બનાવવામાં સક્ષમ થયા હતા. ગુરુત્વાકર્ષણની વિસંગતતાઓનું પરીક્ષણ કરવું એ કહેવાની એક શાનદાર રીત છે કે અમે નકશા પર ઉપસેલી આકૃત્તિ જોઇ. અમે આ વર્ષની શરૂઆતમાં ચિલીમાં અમારા પ્રથમ વિજ્ઞાન સંશોધન દરમિયાન એક વિશાળ પર્વત શોધી કાઢ્યો હતો.
શ્મિટ મહાસાગરના વૈજ્ઞાનિકોએ સંશોધન જહાજો ફાલ્કર અને ફાલ્કોરનો ઉપયોગ કરી લગભગ ૧૫ લાખ ચોરસ કિલોમીટરનો નકશો બનાવ્યો છે અને દરિયાની અંદર ૨૯ પર્વત અને ટેકરી, ખીણ શોધી કાઢ્યા છે. તાજેતરની શોધ ફાલ્કોર જહાજનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. આ કાર્ય મહત્વપૂર્ણ છે કારણ કે પાણીની અંદરની ખીણ ઘણીવાર ઊંડા સમુદ્રના પરવાળાના ખડકો, જળચરો અને એનિમોન્સનું આશ્ચર્ય સ્થાન હોય છે.