ચૂંટણી કમિશ્નર અરૂણ ગોયલ રાજીનામું, આ એવા સમયે આવ્યું છે, જ્યારે લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની તારીખ જાહેર થવામાં ગણતરીના દિવસ બાકી છે. જેને પગલે હવે ચૂંટણી કરાવવાની મુખ્ય જવાબદારી સીધી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ ની તારીખોની જાહેરાત થવાની છે, પરંતુ તે પહેલા જ ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો પત્ર મોકલ્યો છે, જેને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો છે. હવે સવાલ એ છે કે, આ રાજીનામાનું કારણ શું છે, તેમના રાજીનામાની દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ, હજુ સુધી આ કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
આપને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ ચૂંટણી પંચ પણ ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ, અરુણ ગોયલના અચાનક રાજીનામાથી અનેક નવી અટકળોને વેગ મળ્યો છે.
એ પણ નોંધનીય છે કે, ચૂંટણી કમિશનરની એક જગ્યા પહેલાથી જ ખાલી હતી અને અરુણ ગોયલના રાજીનામા બાદ બંને પદ ખાલી થઈ ગયા છે. આવી સ્થિતિમાં, ચૂંટણી કરાવવાની મુખ્ય જવાબદારી સીધી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે, જે તેમના માટે પણ ખૂબ જ પડકારરૂપ બનશે.
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને સંચાલિત કરતા નિયમો અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કરીને કોઈપણ સમયે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. ભારતીય વહીવટી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા પહેલા, અરુણ ગોયલ કેન્દ્રીય ઉદ્યોગ મંત્રાલયમાં સચિવ હતા. તેમની નિમણૂક વિવાદાસ્પદ હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી હતી.
કોણ છે અરુણ ગોયલ?
ચૂંટણી કમિશનર અરુણ ગોયલની વાત કરીએ તો, તેઓ ૧૯૮૫ બેચના IAS ઓફિસર છે. તેમણે ૧૮ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી. આવી સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એ પણ પૂછ્યું હતું કે, વીઆરએસ લેવાના બીજા જ દિવસે અરુણ ગોયલને ચૂંટણી કમિશનર પદ પર નિયુક્ત કરવામાં શું ઉતાવળ હતી.