મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટી લીંક સુધીના ૨૮ કિ.મી. રૂટમાં ૨૨ સ્ટેશન.
અમદાવાદ-ગાંધીનગર ફેઝ-૨ ના પ્રોજેક્ટમાં છેલ્લા બે સપ્તાહથી ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો છે. જો કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન માટે મુસાફરોને હજુ જૂન મહિના સુધી રાહ જોવી પડી શકે છે.
જી.એન.એલ.યુ. અને ગિફ્ટ સિટી વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવી
અમદાવાદ-ગાંધીનગર ફેઝ-૨ ના પ્રોજેક્ટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. જેની શરૂઆત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.) અને સેક્ટર-૧ વચ્ચે થઈ હતી. હવે રવિવારે જી.એન.એલ.યુ. અને ગિફ્ટ સિટી વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવી હતી.
મે-જૂનમાં મેટ્રો રેલ શરૂ થઈ શકે
ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટી લીંક સુધીનો છે. જેના ૨૮ કિલૉમીટરના રૂટમાં કુલ ૨૨ સ્ટેશનો છે. આ પૈકી પ્રાયોરિટી અનુભાગના ૨૧ કિલોમીટરમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-૧ તથા જી.એન.એલ.યુ.થી ગિફ્ટ સિટી સુધી તબક્કાવાર ટ્રાયલનું આયોજન છે. આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફ્ટી દ્વારા ચકાસણી કરવામાં આવશે. તેમના દ્વારા મંજૂરી મળ્યા બાદ મે-જૂનમાં મેટ્રો રેલ શરૂ થઈ શકે છે તેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક યાદીમાં જણાવ્યું છે. એક તબક્કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેના અગાઉ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થાય તેવી સંભાવના હતી. પરંતુ હવે આસંભાવના ઉપર પૂર્ણવિરામ મૂકાયું છે.