હરિયાણામાં જેજેપી ભાજપ વચ્ચે ગઠબંધન તૂટતા રાજકીય સંકટ સર્જાયું, હવે નાયબસિંહ સૈની નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તો જોઈએ કેવી રીતે ભાજપે સરકાર બચાવી અને શું છે હરિયાણા વિધાનસભા બેઠકનું ગણિત.

ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટી હરિયાણામાં અલગ થઈ ગઈ છે. હવે નાયબસિંહ સૈની ભાજપના નવા મુખ્યમંત્રી તરીકે આજે ૦૫:૦૦ કલાકે શપથ લેશે. લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણી પર સર્વસંમતિના અભાવે તેમનું ગઠબંધન તૂટી ગયું છે. સીએમ મનોહર લાલ ખટ્ટરે ૯૦ વિધાનસભા સીટો પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં અપક્ષ ધારાસભ્યો માટે લોટરી લાગી ગઈ છે અને હવે તેમને હરિયાણા કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
હરિયાણામાં ભાજપે કેવી રીતે સરકાર બચાવી?
હરિયાણામાં ભાજપ વિધાયક દળની બેઠક યોજાઈ હતી અને નાયબ સિંહ સૈનીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નાયબ સિંહ સૈની હરિયાણાના આગામી મુખ્યમંત્રી હશે. હરિયાણામાં ભાજપના ૪૧ ધારાસભ્યો છે. બહુમત માટે ૪૬ ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. ૬ અપક્ષ ધારાસભ્યો છે અને તેમણે પણ સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં ભાજપનો આંકડો ૪૭ થઈ જાય છે.
હરિયાણાના બીજેપી ધારાસભ્ય કૃષ્ણ લાલ મિઢાએ કહ્યું કે, નાયબસિંહ સૈની હરિયાણાના આગામી સીએમ હશે. તેમણે કહ્યું કે, દરેક હવે રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શપથ ગ્રહણ સાંજે પાંચ વાગ્યે થશે. નાયબ સૈની મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
નાયબ સિંહ સૈની કોણ છે?
નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે અને કુરુક્ષેત્રના સાંસદ પણ છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ૬ મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે. જો કે હરિયાણામાં ૬ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન જ ચૂંટણી લડશે અને પેટાચૂંટણી થશે નહીં.
હવે સવાલ એ ઊભો થાય છે કે, કેવી રીતે JJP અને BJP વચ્ચે ગઠબંધન તૂટ્યા પછી ભાજપની સરકાર બચી ગઈ. આવી સ્થિતિમાં એસેમ્બલીની નંબર ગેમ શું છે, તે જાણવું જરૂરી બની જાય છે.
ઉલ્લેખનીય છે કે, સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હાલ હરિયાણા નવા સીએમની રેસમાં માત્ર બે ચહેરા જ આગળ હતુ. જેમાં પહેલું નામ સંજય ભાટિયાનું અને બીજું નામ નાયબ સિંહ સૈનીનું હતુ. જો હરિયાણા વિધાનસભામાં ભાજપ પાર્ટીની સ્થિતિની વાત કરીએ તો હરિયાણામાં ભાજપના ૪૧ ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે ૩૦ ધારાસભ્યો છે.
હરિયાણા વિધાનસભા બેઠકોનું ગણિત
૯૦ સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો ૪૬ છે. ભાજપ પાસે ૪૧, જેજેપીના ૧૦ અને કોંગ્રેસના ૩૦ ધારાસભ્યો છે. આ સિવાય ૭ અપક્ષ ધારાસભ્યો, ૧ હરિયાણા લોકહિત પાર્ટી અને ૧ ઈન્ડિયન નેશનલ લોકદળ ધારાસભ્ય છે. ૭ અપક્ષ ધારાસભ્યોમાંથી ૬ ભારતીય જનતા પાર્ટી સાથે છે. તો, ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટી પણ ભાજપ સાથે છે. એટલે કે હવે વાત કરીએ તો ભાજપ પાસે કુલ ૪૮ ધારાસભ્યો થઈ જાય છે. જે આ બહુમતીનો આંકડો પાર કરે છે.
જેજેપી અને ભાજપ વચ્ચે કેમ ગઠબંધન તૂટ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુષ્યંત ચૌટાલા સોમવારે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. સીટ શેરિંગ ફોર્મ્યુલા પર કોઈ ચર્ચા થઈ શકી ન હતી. જેજેપી હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢની સીટો પર દાવો કરી રહી હતી. ભાજપ આ આપવા તૈયાર ન હતી. સિરસામાં પાર્ટીની બેઠક બાદ દુષ્યંત ચૌટાલાએ હરિયાણાની હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠકો પર દાવો કરતાં કહ્યું હતું કે, જે રીતે ભાજપે એનડીએ ગઠબંધન હેઠળ નાના પક્ષોને સમાયોજિત કર્યા છે અને તેમની સંભાળ લીધી છે, તે આશાવાદી છે. હરિયાણામાં જેજેપી અંગે પણ લેવામાં આવશે.