સેન્સેક્સ અને નિફ્ટી બંનેની ગ્રીન સિગ્નલ સાથે શરુઆત થઈ હતી, બજાર ખુલતાની સાથે જ મોટા ભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
![]() |
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજાર માં ફરી એકવાર કડાકો બોલાયો હતો. આજે સવારે થોડા મોમેન્ટમ સાથે ખુલ્યા બાદ અચાનક ઘટાડો શરુ થયો હતો. સેન્સેક્સમાં આજે ૧૦૦૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો જ્યારે નિફ્ટી ૩૫૦ પોઈન્ટ તૂટી ગઈ. બપોરે ૦૨:૩૦ વાગ્યે સેન્સેક્સ ૧૦૪૬ પોઈન્ટ એટલે કે ૧.૪૨ % તૂટીને ૭૨૬૨૧ સ્તરે પહોંચીને વેપાર કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી ૧.૭૪ % અથવા ૩૮૮ પોઈન્ટ તૂટીને ૨૧,૯૪૭ પર વેપાર કરી રહ્યો હતો.
નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં ૧૭૩૦ પોઈન્ટ અથવા ૩.૬૧ % નો ઘટાડો જોવા મળ્યો. સાથે જ નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૬૭૬ પોઈન્ટ એટલે કે ૪.૫૦ % ઘટીને વેપાર કરી રહ્યો હતો. આ ભયંકર ઘટાડાના કારણે માર્કેટનું સેન્ટીમેન્ટ બદલાઈ ગયું અને દિગ્ગજ કંપનીઓના શેરમાં જબરદસ્ત વેચાવલી થઈ.
SEBI ચીફે મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સેબી તેના પર તાકતી નજર રાખી રહ્યું છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં હેરાફેરીના સંકેત મળ્યા છે. એટલું જ નહીં એસએમઆઈ આઈપીઓમાં પણ ગોટાળાના સંકેત છે. સેબી ચીફે રોકાણકારોને સતર્ક રહેવા કહ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારમાં સેન્ટીમેન્ટ બદલાયું, જેની અસર થઈ કે આજે બજારમાં ભારે વેચાણ થયું. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે બાકીના ઈન્ડેક્સમાં પણ ભારે ઘટાડો આવ્યો છે.
શેરબજારમાં ભારે ઘટાડાના કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧૨.૬૭ લાખ કરોડ રૂપિયા ઘટીને ૩૭૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું. જેનો મતલબ છે કે થોડા જ કલાકોમાં રોકાણકારોને અંદાજિત ૧૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.