એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી બોન્ડ કેટલા ખરીદવામાં આવ્યા અને કેટલા વટાવી લેવામાં આવ્યા સહિતની માહિતી ચૂંટણી પંચને સોંપી છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એફિડેવીટમાં ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલા ડેટા ચૂંટણી પંચને સુપરત કર્યા છે. SBI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ૧ એપ્રિલ ૨૦૧૯ થી ૧૧ એપ્રિલ ૨૦૧૯ સુધી ૩૩૪૬ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી ૧૬૦૯ બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૨ એપ્રિલ ૨૦૧૯ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૧૮,૮૭૧ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી ૨૦,૪૨૧ બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી મુજબ તેમની પાસેથી કુલ ૨૨,૨૧૭ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા અને ૨૨,૦૩૦ બોન્ડ રિડીમ કરવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એસબીઆઈના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું કે, તેમના આદેશ બાદ બેંકે ચૂંટણી પંચને દરેક બોન્ડ ખરીદવાની તારીખ, ખરીદનારનું નામ અને ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની કિંમત વિશે જાણકારી આપી છે.
સોગંદનામામાં જણાવાયું છે કે, બેંકે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડના એન્કેશમેન્ટની તારીખ, બોન્ડ દ્વારા નાણાં મેળવનાર રાજકીય પક્ષનું નામ અને ઇલેક્ટોરલ બોન્ડની કિંમત વિશે પણ માહિતી આપી છે.
એસબીઆઈનું કહેવું છે કે, આ ડેટા ૧૨ એપ્રિલ, ૨૦૧૯ થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ ની વચ્ચે ખરીદવામાં આવેલા અને રિડીમ કરવામાં આવેલા બોન્ડના સંદર્ભમાં છે.