જામનગર બેઠક પર પૂનમ માડમની સામે કોંગ્રેસ જે.પી. મારવિયાને મેદાનમાં ઉતારશે

લોકસભા ચૂંટણીની તારીખો ટુંક સમયમાં જ જાહેર થવા જઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં ૪૩ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ, કોંગ્રેસે ૮૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો આ પહેલા ભાજપે ૧૯૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ દ્વારા જામનગર બેઠક પર પૂનમ માડમને ટિકિટ આપવામાં આવી છે. તો આ બેઠક પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની પસંદગી કરી નાખી છે, અહીંથી કોંગ્રેસ જે.પી.મારવિયાને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. જોકે, સત્તાવાર જાહેરાત બાકી છે.  આજે મોડી રાત સુધીમાં વિધિવત જાહેરાત થઈ શકે છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે.પી.મારવિયાને ફોન કરીને જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો આદેશ અપાયો છે. મારવિયાને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાની પણ સૂચના આપી છે. ભાજપે જામનગર બેઠક પરથી સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. ત્યારે આ બેઠક પર આહિર અને પાટીદાર નેતા વચ્ચે જંગ જામશે.

જે.પી. મારવિયા કાલાવડ તાલુકાના નીકાવા ગામના વતની છે. જે.પી. મારવિયા હાલ જિલ્લા પંચાયતનાં વિપક્ષના નેતા છે અને તેઓ કાલાવડ બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય છે. આ સાથે તેઓ કાલાવાડ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *