લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે.
ચૂંટણી પંચ આજે બપોરે ૦૩:૦૦ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે કોઈપણ વિભાગ કોઈ નવા પ્રોજેક્ટને મંજૂરી આપતું નથી. જો કંઈક જરૂરી હોય તો ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ તેને લીલી ઝંડી આપવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, શુક્રવારે રાત્રે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઘણાં વિભાગોએ ઝડપી નિર્ણયો લીધા અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી.
રૂ. ૧૭૦૦ કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી
અહેવાલ અનુસાર, ગઈકાલે (શુક્રવાર) મોડી રાત સુધી નીતિન ગડકરીના માર્ગ પરિવહન મંત્રાલય અને NHAI હેઠળના વિભાગોમાં કામ ચાલુ હતું. આ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રૂ. ૧૭૦૦ કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ હાઈવે પ્રોજેક્ટ ગુજરાત, આસામ અને કર્ણાટક માટે છે. ઉપરાંત ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિર સુધી ૧૮૯ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર રોપવેને પણ મંજૂરી આપવામાં આવી છે.
આદર્શ આચારસંહિતા લાગુ થતાં પહેલાં, નિર્ધારિત લક્ષ્યાંકો પૂરા કરવાના હતા, તેથી યોજનાઓને તાબડતોબ મંજૂરી આપવામાં આવી હતી. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ નવા પ્રોજેક્ટને મંજૂરી આપી શક્યા નથી. આ લક્ષ્ય હાંસલ કરવામાં અવરોધો પેદા કરશે.’
૧૦ નવા જળમાર્ગોને મંજૂરી મળી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપરાંત, કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે પણ આસામની બ્રહ્મપુત્રા નદી પર ૫૪૫ કરોડ રૂપિયાના ૧૦ નવા જળમાર્ગોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના સાગરમાલા કાર્યક્રમ હેઠળ કેન્દ્ર તરફથી ૧૦૦ % ભંડોળ મળશે. તેવી જ રીતે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે રૂ. ૯૨૫ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને સ્વચ્છ ભારત મિશન હેઠળ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આદર્શ આચાર સંહિતાના લાગુ થતા પહેલા સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે તે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ૩૦૦ રૂપિયા પ્રતિ ટન વધારીને ૪,૯૦૦ રૂપિયા પ્રતિ ટન કરશે. નવા દરો શનિવારથી લાગુ થશે. પહેલી માર્ચે સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ૩,૩૦૦ રૂપિયાથી વધારીને ૪,૬૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યો હતો.