લોકસભા ચૂંટણીનું પરિણામ ૪ જૂને, ૧૯ એપ્રિલથી મતદાન સાત તબક્કામાં

ગુજરાતમાં ૭ મેએ વોટિંગ.

છેલ્લા ઘણા સમયથી જોવાથી રાહનો હવે અંત થયો. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી ૨૦૨૪ નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત ૧૯ એપ્રિલથી થશે અને ૧ જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં ૭ મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની ૨૬ બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ ૫ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે.

આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા ૨૦૦૪ માં ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૯ માં ૨ માર્ચ અને ૨૦૧૪ માં પાંચ માર્ચે અને ૨૦૧૯ માં ૧૦ માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે ‘અબ કી બાર ૪૦૦ પાર’ નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *