હોળી-ફાગણી પૂનમ: ડાકોરમાં ઉમટી પડશે લાખો ભક્તો

હોળી-ફાગણી પૂનમ: દ્વારકામાં ફુલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.


હોળી પર્વ નજીક આવી રહ્યું છે, રંગોના તહેવારની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. યાત્રાધામ ડાકોર મંદિરમાં 25મી માર્ચે હોળી (ફાગણી પૂનમ મેળો ) પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. જ્યારે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. હોળી પર્વને લઈને ડાકોર મંદિર અને દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રી રણછોડરાયજી મંદિર ડાકોરમાં ૨૫ મી માર્ચે હોળી પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. ઉત્સવને લઈને મંદિરમાં ૨૪ અને ૨૫ મી માર્ચે ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ૨૪ મી માર્ચે વહેલી સવારે ૦૫:૦૦ કલાકે મંગળાઆરતી અને ૨૫ મી માર્ચે વહેલી સવારે ૦૪:૦૦ કલાકે મંગળાઆરતી થશે. ડાકોરમાં આમલકી એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણી પૂનમ મેળો યોજાશે. આ ઉત્સવના દર્શનનો લાભ લેવા રાજ્યભર માંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રધાળુઓનો મહેરામણ ઉમટી પડશે. ઉત્સવને લઇને ડાકોર મંદિર અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૨૫ મી માર્ચે સવારે ૦૬:૦૦ વાગ્યે મંગળા આરતી થશે. ફુલડોલ ઉત્સવ બપોરે ૦૨:૦૦ થી ૦૩:૦૦ વાગ્યા સુધી ઉજવાશે. તથા બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધી જગત મંદિર બંધ રહેશે. સાંજે ૦૫:૦૦ વાગ્યાથી નિત્ય ક્રમ મુજબ દર્શન કરી શકાશે. દ્વારકામાં જગત મંદિર ખાતે આગામી હોળીના તહેવાર દરમિયાન ફુલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ફુલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *