રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થતા ભારતીય વિદ્યાર્થીઓ પરત આવ્યા પણ પુણેની યુવતી વૈભવી નાઝાર ત્યાં જ રોકાઇ ગઇ. તાજેતરમાં યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાને સોશિયલ મીડિયામાં પ્રશંસા કરતા લાઇમલાઇટમાં આવી.

રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થતા યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત ફરવાની ફરજ પડી હતી. જો કે અમુક વિદ્યાર્થીઓ ત્યાં જ રહ્યા હતા. જેમાં એક નામ છે વૈભવી નાઝાર જે હાલ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ડોક્ટર તરીકે સેવા આપી રહી છે.
વૈભવી નાઝારે યુક્રેનના વિદેશ મંત્રીની સારવાર કરી
આ ઘટનાને યાદ કરતા વૈભવી જણાવે છે કે, ૧૨ ફેબ્રુઆરીની સાંજે કિવની સેન્ટ્રલ સિટી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં બોલાવવામાં આવી હતી. હંમેશની જેમ જેવી રીતે અન્ય દર્દીઓની સારવાર કરું છે તેમ તેમની પણ સારવાર કરી. જ્યારે હું સારવાર કરી રહી હતી, ત્યારે મારા કામનું નિરીક્ષણ કરી રહેલા સુપરવાઈઝરે મારો પરિચય મંત્રી સાથે કરાવ્યો અને તેમને મારી કહાણી સંભળાવી. પછી મંત્રીએ મને પૂછ્યું, “ઓહ, તમે આક્રમણ પછી ભારત પાછા ન ગયા?. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાને એક કૂતરો કરડ્યો હતો અને તેમની સારવાર કરી હતી.
યુક્રેનના મંત્રીએ વૈભવીને પ્રશંસા કરી
તેના એક દિવસ બાદ વૈભવીએ વિદેશી મંત્રીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ, જેમાં તેમણે વૈભવીની કામગીરીની પ્રશંસા કરતા લખ્યું કે, ખુબ જ પ્રશંસાને પાત્ર છે ભારતની એક ઇન્ટર્ન, જે આક્રમણ પછી યુક્રેનમાં અભ્યાસ કરવા અને કામગીરી કરવા માટે રોકાયા. મારી ઈજાની સારવાર દરમિયાન ફરજ પર હતા.
વૈભવી ૨૦૧૭ માં મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન ગઇ
વૈભવી ૨૦૧૭ માં યુક્રેન ગઈ હતી જ્યારે તે ૧૯ વર્ષની હતી. તેણે છ વર્ષ સુધી જનરલ મેડિસિનમાં અંડરગ્રેજ્યુએટ તરીકે અભ્યાસ કર્યો હતો અને હવે તેના સાતમા વર્ષે તે જનરલ સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી છે. હાલ વૈભવી યુદ્ધગ્રસ્ત યુક્રેનની કિવની એક હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે સેવા આપી રહી છે.
મંત્રીની ઈન્સ્ટા સ્ટોરી વિશે વૈભવી કહે છે, આવું પ્રથમ ઘટના બન્યું જ્યારે મારા કામની જાહેરમાં મારી પ્રશંસા થઈ. તે ખરેખર સારું લાગ્યું. અહીં એક માત્ર વિદેશી હોવાને કારણે હોસ્પિટલમાં મારી સહેલાઈથી નોંધ લેવામાં આવી અને પ્રશંસા થઈ. પરંતુ હવે મને માત્ર એક વિદેશી ડૉક્ટર તરીકે જ નહીં, પણ એક શ્રેષ્ઠ ડૉક્ટર તરીકે પણ જોવામાં આવે તેવી ઇચ્છા છે.
યુક્રેનની સૌથી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે, તે પેટની ઇજાઓ, હાથ અને પગની ઇજાઓ, ફેક્ચર જેવા ઇમરજન્સી કેસની સારવાર કરે છે. તે સામાન્ય નાગરિક અને આર્મી સૈનિકો બંનેની સારવાર પર તરફ ધ્યાન આપે છે અને ૨૪ કલાક ફરજ પર રહેવું જરૂરી છે. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે તેણીએ યુનિવર્સિટીના અંતિમ વર્ષમાં વોલિયન્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
વૈભવીએ કહે છે, મારી અંતર આત્માએ મને અહીં રહેવા મજબૂર કરી. ઘણા સાથીદારો અને સિનિયર્સ પરત જતા રહ્યા હતા, મને લાગ્યું કે સ્ટાફ ઓછો પડશે. આ એવો સમય હતો જ્યારે લોકોને એકબીજાની સંભાળ રાખવાની અને જે મહત્વપૂર્ણ છે તેને પ્રાથમિકતા આપવાની જરૂર છે. મેં વિચાર્યું કે જો આ મારો દેશ હોત, તો હું માનું છું કે દરેકે આવું જ કર્યું હોત. જો કોઈ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો હોય, તો મદદ કરવી એ આપણી ફરજ છે.
જ્યારે યુક્રેન પર આક્રમણ થયું ત્યારે વૈભવીના ડરી ગયેલા માતા-પિતાએ તેને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કર્યો. એમ્બેસી બંધ કરી દેવામાં આવી હતી, રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા, પુલ તૂટી ગયા હતા, અને વૈભવી સામે આવનાર મુશ્કેલીઓથી તેઓ ડરી ગયા હતા.
વૈભવીની માતા કુમુદિની કહે છે, અમારી પાસે પેરેન્ટ્સનું વોટ્સએપ ગ્રુપ હતું, અમે બધા અમારા બાળકોને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બધા ડરી ગયા. પછી, વૈભવીએ અમને કહ્યું કે તે પાછી આવવા માંગતી નથી. તે ક્ષણે મને કેવું લાગ્યું તે હું વ્યક્ત કરી શકતી નથી. દરરોજ સમાચારોમાં આપણે જોઈ હશે કે, આ જૂથ ભારતમાં પાછું આવ્યું છે, તે જૂથ પાછું આવ્યું છે. ત્યાં ફક્ત મારી વૈભવી જ રહી ગઈ હતી.
પણ વૈભવીના માતા-પિતા પણ તેનો સૌથી મોટા સપોર્ટર બન્યા. ત્યારથી, તેઓ દરરોજ તેણીના હાલચાલ પૂછે છે અને પરિસ્થિતિના અપડેટ્સ મેળવી રહ્યા છે અને દરેકની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓએ વૈભવીની આંખો દ્વારા યુદ્ધ જોયું છે.
વૈભવી જણાવે છે કે, તે સહકર્મીઓ, સિનિયર ડોકટરો અને મિત્રોની મદદથી સ્થાનિક ભાષા પણ શીખી રહી છે. મારી બેચના મોટાભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલતા દેશોમાં પરત ફર્યા. મને સપોર્ટ કરનાર દરેક વ્યક્તિ મને દરરોજ પ્રોત્સાહિત કરે છે. તમારા કાર્યસ્થળ પર પૂરા દિલથી સ્વીકૃતિ મેળવવી ખૂબ જ સરસ લાગે છે.
વૈભવીએ જ્યારે તે માત્ર ૩ વર્ષની હતી ત્યારે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું હતું અને ક્યારેય પણ પોતાનો વિચાર બદલ્યા વિના, તેણે તે દિશામાં સતત કામ કર્યું. “મને જે ગમે છે તે કરવું ફાયદાકારક હોય છે. મને લાગે છે કે જો હું આને મારું બધું આપીશ તો હું શ્રેષ્ઠ બનીશ. મારા માતા-પિતા મારો સૌથી મોટા સપોર્ટર રહ્યા છે. તેમની સમજણ અને વિશ્વાસએ મને આટલે સુધી આગળ ધપાવી છે. મને ખબર નથી કે હું ક્યારેય કોઈપણ સ્વરૂપમાં આ ઉપકારનો બદલો ચૂકવી શકીશ કે કેમ.