મહિલા પ્રીમિયર લીગમાં આરસીબી પ્રથમ વખત ચેમ્પિયન

આરસીબી મહિલા ટીમે દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમ સામે ૮ વિકેટે વિજય મેળવ્યો, શ્રેયંકા પાટિલે ૧૨ રનમાં ૪ વિકેટ ઝડપી.

WPL 2024 Final : મહિલા પ્રીમિયર લીગમાં આરસીબી પ્રથમ વખત ચેમ્પિયન, દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં હરાવ્યું

વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ચેમ્પિયન બની છે. શ્રેયંકા પાટિલ (૪ વિકેટ) અને સોફી મોલિનેક્સ (૩ વિકેટ)ની ચુસ્ત બોલિંગ પછી એલિસા પેરીના અણનમ ૩૫ રનની મદદથી આરસીબી મહિલા ટીમે દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમ સામે ૮ વિકેટે વિજય મેળવ્યો હતો. દિલ્હી ૧૮.૩ ઓવરમાં ૧૧૩ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં આરસીબીએ ૧૯.૩ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આરસીબીની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની છે.

આરસીબીની સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇને પ્રથમ વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. સોફી ૨૭ બોલમાં ૫ ફોર ૧ સિક્સર સાથે ૩૨ રન બનાવી શીખા પાંડેની ઓવરમાં આઉટ થઇ હતી. સ્મૃતિ મંધાના ૩૯ બોલમાં ૩ ફોર સાથે ૩૧ રન બનાવી આઉટ થઇ હતી. આ પછી એલિસા પેરી (અણનમ ૩૫) અને રિચા ઘોષે (અણનમ ૧૭) જીત અપાવી હતી.

શફાલી વર્માએ શાનદાર ઈનિંગ્સ રમી

દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૪ ની ફાઇનલ મેચમાં દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી તરફથી ઓપનિંગ કરવા આવેલી શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગે પ્રથમ વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. શેફાલી ૪૪ રનના સ્કોર પર સોફી મોલિનેક્સેની ઓવરમાં આઉટ થઇ હતી.

શેફાલીએ આ મેચમાં ૩ સિક્સર અને ૨ ફોરની મદદથી ૨૭ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા. શેફાલીના આઉટ થયા બાદ દિલ્હીએ ૬૪ રનના સ્કોર પર પોતાની બીજી અને ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. જેમિમાહ રોડ્રિગ્સ અને એલિસ કેપ્સીને સોફીએ શૂન્ય પર આઉટ કર્યા હતા. દિલ્હીની ટીમ અહીંથી બેકફૂટ પર આવી ગઈ હતી.

શ્રેયંકા પાટિલે ૧૨ રનમાં ૪ વિકેટ ઝડપી

દિલ્હીએ પ્રથમ ૬૪ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમની ચોથી વિકેટ ૭૪ રનના સ્કોર પર પડી હતી, જ્યારે કેપ્ટન લેનિંગ ૨૩ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થઇ હતી. આ પછી નિયમિત અંતરે વિકેટ ગુમાવતા દિલ્હી ૧૮.૩ ઓવરમાં ૧૧૩ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. દિલ્હી સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકી ન હતી. આરસીબી તરફથી સૌથી સફળ બોલર શ્રેયંકા પાટિલ રહી હતી. જેણે ૧૨ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. સોફી મોલિનેક્સને ૩ અને આશા શોભનાને ૨ વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

આરસીબી : સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, સબ્બીનેની મેઘના, એલિસ પેરી, રિચા ઘોષ (વિકેટકીપર), સોફી મોલિનેક્સ, જ્યોર્જિયા વેયરહમ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, શ્રદ્ધા પોખરકર, રેણુકા સિંહ.

દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), મારિજૈન કેપ, જેસ જોનાસેન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, મીનુ મણિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *