ગુજરાત માં ધૂળેટી ૨૦૨૪ ની ઉલ્લાસભેર ઉજવણી: કૃષ્ણ મંદિરો, સ્વામિનારાયણ મંદોરોમાં રંગોત્સવ, તો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં પાર્ટી પ્લોટોમાં રેઈન ડાન્સ સાથે યુવાનો ઝૂમ્યા. તો ગામડાની શેરીઓમાં અને શહેરની સોસાયટીમાં લોકોએ રંગારંગ સાથે કરી ઉજવણી.
આજે ગુજરાત સહિત દેશભરમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ક્યાંક ડીજેના તાલે રેઈન પાર્ટી તો ક્યાંક કાદવ કીચડ સાથે ધૂળેટીની ઉજવણી લોકો કરતા જોવા મળ્યા. રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના તમામ શહેર અને ગામડામાં લોકો ઉત્સાહભેર એક બીજાને અબીલ, ગુલાલ, કંકુ સાથે રંગો લગાવી ધૂળેટીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો કૃષ્ણ મંદિરો અને સ્વામિનારાયણ મંદિરોમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી.
શહેરોમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં રેઈન ડાન્સ સાથે યુવાધન ઝૂમી ઉઠ્યું
રાજકોટમાં અનેક ખાનગી પાર્ટી પ્લોટોમાં રેઈન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રીતે અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ રેઈન ડાન્સના આયોજનો થયા. ખાનગી પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે, અને રંગો સાથે મોજ મસ્તી કરતા જોવા મળ્યા છે.

ગામડાઓની શેરીઓ અને શહેરની સોસાયટીઓમાં ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી
બીજી બાજુ અનેક સોસાયટીઓમાં બાળકો, યુવાનો, મોટાઓ સહિતના લોકો અબીલ, ગુલાલ સાથે રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. કેટલીક સોસાયટીમાં લોકો રંગોત્સવની સાથે ગરબાના તાલે ઝૂમ્યા. ગામડાઓમાં પણ શેરી શેરીએ લોકો એક બીજાને રંગથી રંગી ઉજવણી કરી રહ્યા છે.
સ્વામિનારાયણ મંદિરોમાં ફૂલડોલોત્સવ સહિત રંગોત્સવની ઉજવણી
રાજયમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ભક્તોનું ઘોડાપુર રંગોત્સવની ઉજવણીમાં ઉમટ્યું હતું. આ બાજુ વડતાલ, ભૂજ, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના સ્વામિનારાયણ મંદિરોમાં રંગોત્સવ સાથે ફૂલડોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણને વિવિધ થીમ સાથે શણગારવામાં આવ્યા હતા.

સાળંગપુર મંદિરે ભવ્ય રંગોત્સવ મનાવવામાં આવ્યો
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા, સંતો મહંતોએ હનુમાન દાદાને રંગોથી રંગ્યા હચા. આ સિવાય મંદિર ખાતે લાખો ભક્તો સાથે ૫૧ હજાર કિલો નેચરલ કલર અને ૪૦૦ જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર ૭૦ ફૂટ ઊંચાઈએથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર કલરના બ્લાસ્ટ કરાયા હતા. ૧૯ હજાર કિલો કલર એર પ્રેશરથી ભક્તો પર ઉડાવવામાં આવ્યો હતો, નાસિક ઢોલ સાથે ભક્તો ઝૂમિ ઉઠ્યા હતા.

રાજકોટમાં ક્યાંક સાબુના ફીણથી તો ક્યાંક કાદ કીચડથી ધૂળેટીની ઉજવણી
રંગીલા રાજકોટમાં એક જગ્યાએ કાદવ કીચડથી લોકો ધૂળેટી રમી રહ્યા હતા, તો એક જગ્યાએ સાબુના ફીણથી પણ ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા. રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અને તેમના પરિવારે સોસાયટીમાં પાડોશીઓ સાથે ઉજવણી કરી. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ કાર્યકરોએ લોકસભા ઉમેદવારોના ઘરે જઈ હોળીની ઉજવણી કરી.